રીપોર્ટ@ગુજરાત: શેરબજારમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ, કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ રકમ જપ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અમદાવાદ ઝોનલ ઓફિસને મોટી સફળતા મળી છે. EDએ આ મામલે કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ રકમ જપ્ત કરી છે.આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું સામે આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે પિન્ટુ ભાવસાર અને તેના સાથીદારોએ મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો ખોલી હતી. તેઓએ અનેક કર્મચારીઓ રાખીને સામાન્ય લોકોને ફોન કરાવી શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું.
આ નાણાંનું શેરબજારમાં કોઈ રોકાણ કરવામાં આવતું નહોતું અને આરોપીઓ તેનો વ્યક્તિગત ઉપયોગ કરતા હતા.તપાસ દરમિયાન EDએ 'પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ' તરીકે સોનું, ચાંદી અને રોકડ જપ્ત કરી છે. આ સિવાય અનેક મિલકતોના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે હિમાંશુ ભાવસાર પાસે SEBI નું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સર્ટિફિકેટ હતું, જેનો ગેરકાયદેસર ઉપયોગ કરીને તેણે વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ પ્રા. લિ., દલાલ સ્ટોક્સ એડવાઇઝરી પ્રા. લિ. અને દેવકી સ્ટોક્સ પ્રા. લિ. જેવી કંપનીઓ ચલાવી હતી. આ કંપનીઓ પાસે SEBI નું કોઈ રજિસ્ટ્રેશન નહોતું.
મહેસાણાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR બાદ EDએ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ આ તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોમાં આ ટોળકી વિરુદ્ધ કુલ 7 FIR નોંધાઈ છે, જેમાં અંદાજે ₹10.87 કરોડની છેતરપિંડી થઈ હોવાનું મનાય છે. વધુ તપાસ ચાલુ છે.

