રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં સાડા સાત હજાર કાયમી શિક્ષકોની થશે ભરતી, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

 
બેઠક
3 મહિનામાં 7500 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં સરકારે આગામી ત્રણ મહિનામાં 7500 કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. આ ભરતીઓ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચ માધ્યમિક પાસ કરેલા ઉમેદવારોના મેરિટના આધારે કરવામાં આવશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેબિનેટની બેઠક બાદ સરકારના પ્રવક્તા અને મંત્રી હૃષીકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, Tet-1 અને Tet-2 ઉમેદવારોની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળાઓમાં પાંચસો અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં ત્રણ હજાર સહિત કુલ સાડા ત્રણ હજાર TET-1 પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

જ્યારે ઉચ્ચ માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં TET-2માં કુલ ચાર હજાર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે, જેમાં સરકારી શાળાઓમાં 750 અને ગ્રાન્ટેડ શાળાઓમાં 3250 ઉમેદવારોનો સમાવેશ થાય છે. સમગ્ર ભરતી પ્રક્રિયા ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.