રીપોર્ટ@ગુજરાત: મહુવામાં છ કલાકમાં સાત ઈંચ તોફાની વરસાદ, 100 ફૂટ ઉંચો મોબાઈલ ટાવર ધરાશાયી

 
વરસાદ
ભાવનગર જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહુવામાં જાણે આભ ફાટયું હોય તેમ છ કલાકમાં સાત ઈંચ તોફાની વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓને પણ મેઘરાજાએ ધમરોળી વીજળીના કડાકા-ભડાકા અને મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને તોફાની વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો, વીજ થાંભલા જમીનદોસ્ત થતાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. પાલિતાણામાં વરસાદની આફતે બે મૂકપશુનો ભોગ લીધો હતો.100 ફૂટ ઉંચો મોબાઈલ ટાવર ધરાશાયીમહુવા પંથકમાં રાત્રે કમોસમી વરસાદી ઝાપટું વરસ્યા બાદ બપોરે ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો હતો.

મંગળવારે બપોરે બે કલાક બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રાત્રિના આઠ કલાક સુધીમાં 170 મિ.મી. વરસાદ વરસાવી દીધો હતો. મહુવા અને તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા પણ પડયા હતા. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે મહુવા અને તાલુકાના અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તરેડી ગામે 100 ફૂટ ઉંચો મોબાઈલ ટાવર ધરાશાયી થઈ વીજ લાઈન ઉપર પડતા વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો. વૃક્ષોની સાથે હોર્ડિંગ્સ, બેનરો પણ તૂટીને નીચે પડયા હતા.

ભાવનગર શહેરમાં વાવાઝોડા જેવો પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે સાત મિ.મી. વરસાદ વરસ્યો હતો. સમગ્ર જિલ્લામાં ઠંડા તેજ પવન સાથે કમોસમી વરસાદ વરસતા શિયાળાની ઠંડી જેવા ટાઢોડાનો અનુભવ થયો હતો. કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાંથી વરસેલું પાણી જગતના તાત માટે આફતરૂપ બન્યું હતું. તોફાની વરસાદના કારણે ખેતી પાકને ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાની થઈ હોવાનું ખેડૂતોએ ચિંતા સાથે મત વ્યક્ત કર્યો હતો. ભાવનગર જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે.

12મી મે સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હોય, ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરમાં આજે 14 મિ.મી., ગઢડામાં 09 મિ.મી., રાણપુરમાં 12 મિ.મી. અને બરવાળામાં 16 મિ.મી. પાણી વરસ્યું હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાની લહેર છવાઈ ગઈ હતી.અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ સહિતના પંથકમાં આજે જોરદાર પવન, ગાજવીજ સાથે માવઠું વરસ્યું હતું. જ્યારે સાગરખેડૂઓ માટે કમોસમી વરસાદ મોટી નુકશાનીનું કારણ બન્યો હતો.