રિપોર્ટ@ગુજરાત: ડિમોલિશનની કામગીરીને લઇને શક્તિસિંહ ગોહીલે સરકાર પર કર્યા આકરા પ્રહાર

 
શક્તિસિંહ ગોહિલ

170 જેટલા બાંધકામને તોડી પાડવા માટે મેગા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ડિમોલિશન અંગે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે તમે જનહિતના નામે કોઈ પણ નાગરિકને હેરાન કરી શકો નહીં. તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે અને પૂરતો સમય આપવો પડશે. તેના વિના ડિમોલિશન થશે નહીં. રાજ્યની અંદર રબારી કોલોની, અંબાજી, પોરબંદર, દ્વારકા, ઓખા, બેટ દ્વારકા, ભાવનગર અને ગોમતીપુરમાં ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે. આ રાજ્ય સરકાર સર્વોચ્ચ અદાલતના નિયમોનું પણ પાલન કરતી નથી. અમે અમારા વકીલ સાથીદારો સાથે પણ આ અંગે ચર્ચા કરી છે કે, સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન હોવા છતાં ગુજરાતમાં શું થઈ રહ્યું છે?

આ રીતની ડિમોલિશનની કાર્યવાહી અમાનવીય છે, સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. થોડા દિવસો પહેલા અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલ કાલિદાસ મિલ ચાર રસ્તાથી ચારતોડા કબ્રસ્તાન થઈ અંબિકા ચાર રસ્તા સુધી આર ડી પી રોડ લાઈનને લઈને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર 45 જેટલા રહેણાંક મકાનો, 115 કોમર્શિયલ દુકાનો અને 10 ધાર્મિક બાંધકામને દૂર તોડી પાડવામાં આવ્યા હતા.

મહત્વની બાબત એ છે કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની સરકાર દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેના કારણે સારંગપુર બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સારંગપુર બ્રિજ બંધ કરતા હાલમાં બધો જ ટ્રાફિક ચારતોડા રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા મોટાપાયે સર્જાઇ રહી છે. જેના કારણે રોડલાઈન ખોલવાની જરૂરિયાત ઊભી થતાં બાંધકામ તોડવાની શરૂઆત કરાઇ છે. 170 જેટલા બાંધકામને તોડી પાડવા માટે મેગા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે.