રીપોર્ટ@ગુજરાત: અમદાવાદ એરપોર્ટ અને સુરતની બે શાળાઓને બોમ્બથી ઉડાડવાના ઇમેલ મળતા હડકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે (22 જુલાઈ) અમદાવાદ અને સુરત જેવા બે મહાનગરોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ તેમજ સુરતમાં બે શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઇમેલ મળ્યા છે. મેઇલ મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસને મેઇલ દ્વારા શહેરની બે શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. જેમાં જી.ડી ગોયન્કા અને લાન્સર આર્મી સ્કૂલનો સમાવેશ થાય છે.
આ મેઇલ મળતાની સાથે સુરત પોલીસ એક્ટિવ થઈ ગઈ અને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગ રૂપે શાળામાં હાજર બાળકોને રજા આપી દેવામાં આવી છે અને બોમ્બ સ્ક્વૉડની ટીમ સાથે બંને શાળાની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ સિવાય અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને એરપોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને બૉમ્બ સ્ક્વૉડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. આ ધમકીના પગલે અનેક ફ્લાઇટને અસર પડી શકે તેવી આશંકા છે.