રિપોર્ટ@ગુજરાત: પ્રદેશ ભાજપની કારોબારી બેઠક પ્રથમ વખત સાળંગપુરમાં, પિયુષ ગોયેલ ખાસ હાજરી આપશે

 
ભાજપ

ભુપેન્દ્રભાઇ પટેલ મંત્રીમંડળમાં ફેરફાર અને નવા સભ્યોને સ્થાન અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક પ્રથમ વખત  બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ ખાતે મળશે. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કારોબારીની બેઠક તા.4 જુલાઇ બપોરે 3 વાગ્યાથી પ જુલાઇ શુક્રવારે સાંજે પ વાગ્યા સુધી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ મંદિરમાં રાખવામાં આવી છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.

પ્રદેશ પ્રમુખ હવે કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા છે. આથી ગુજરાતમાં નવા પ્રમુખ બનશે તે નકકી થયું છે. આમ છતાં હાલ છ મહિના માટે પ્રદેશમાં કાર્યકારી પ્રમુખ મૂકવાનો એક વિચાર પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હોય, ભુપેન્દ્રભાઇ પટેલ મંત્રીમંડળમાં ફેરફાર અને નવા સભ્યોને સ્થાન અંગે પણ આ બેઠકમાં ચર્ચા થાય તેવી શકયતા છે.કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ગુજરાત ભાજપના સંગઠન પ્રભારી સુધીર ગુપ્તા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહેશે. સી. આર. પાટીલના નેતૃત્વમાં વિધાનસભામાં ભાજપને 182 બેઠકોમાંથી 161 બેઠક મળી છે.

ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભાજપે નોંધપાત્ર સફળતા મેળવી તમામ પાંચ બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. આ પરિણામથી રાજ્યમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા અભૂતપૂર્વ 161 સુધી પહોંચી ગઈ છે. સી.આર.પાટીલે કેન્દ્રમાં મંત્રીપદ સ્વીકાર્યા બાદ ગુજરાત ભાજપના અધ્યક્ષ પદ માટે નવા નેતૃત્વની શોધખોળ શરૂ થઈ ગઈ છે.2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની 26માંથી 24 બેઠકો હસ્તગત કરી હતી. સુરત બેઠક પરથી મુકેશ દલાલ નિર્વિરોધ ચૂંટાયા હતા. પક્ષને આ ચૂંટણીમાં કુલ 61.86 ટકા મત મળ્યા, જે 2019ની ચૂંટણીના 62.21 ટકાની સરખામણીએ થોડો ઘટાડો દર્શાવે છે. એક બેઠક પર ભાજપના પરાજય અંગે પણ કારોબારીમાં ચર્ચા થાય તેમ છે.