રીપોર્ટ@ગુજરાત: રાજય સરકારે ગ્રામ પંચાયતોને ₹741.90 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી
ગામડાંઓમાં આશરે 45,000થી વધુ નવા વિકાસ કાર્યો હાથ ધરાશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોને વધુ સશક્ત અને સ્વાવલંબી બનાવવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. 15મા કેન્દ્રીય નાણાપંચની ભલામણોને અનુરૂપ રાજ્ય સરકારે પંચાયતીરાજ સંસ્થાઓને બીજા હપ્તા હેઠળ કુલ ₹741.90 કરોડની વિશાળ ગ્રાન્ટ ફાળવી છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "આ રકમથી રાજ્યના ગામડાંઓમાં આશરે 45,000થી વધુ નવા વિકાસ કાર્યો હાથ ધરાશે. પીવાનું સ્વચ્છ પાણી, ગટર વ્યવસ્થા, ગામડાના આંતરિક સિમેમન્ટ રસ્તા, સોલાર સ્ટ્રીટ લાઇટ, આંગણવાડીનું આધુનિકીકરણ તેમજ સ્વચ્છતા સંબંધિત કામોને પ્રાધાન્ય અપાશે."
રાજ્ય સરકારે આ રકમને પંચાયતીરાજના ત્રણેય સ્તરો વચ્ચે નિયત રેશિયો પ્રમાણે વહેંચી છે. જેમા ગ્રામ પંચાયતોને 70% એટલેકે ₹519.33 કરોડ તાલુકા પંચાયતોને 20% એટલેકે ₹148.38 કરોડ અને જિલ્લા પંચાયતોને 10% એટલેકે ₹74.19 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, "ગ્રામ પંચાયતોને સૌથી વધુ 70 ટકા હિસ્સો આપવાથી સીધો લાભ ગામડે ગામડે પહોંચશે. ગ્રામજનોની જરૂરિયાત મુજબ જ કામો થાય તે માટે આ નિર્ણય લેવાયો છે." મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેના નિર્ણયને "ગ્રામ સ્વરાજની દિશામાં મહત્ત્વનું પગલું" ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, "અમારું લક્ષ્ય છે કે ગામડાના લોકોને ઘર આગળ જ પીવાનું પાણી, સ્વચ્છ ગટર, પાકા રસ્તા અને સારી લાઇટની સુવિધા મળે.

