રીપોર્ટ@ગુજરાત: રાજ્ય સરકારે કફ સિરપ બનાવતી 2 કંપની પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્ય સરકારે 2 કંપનીની કફ સિરપ પર પ્રતિબંધ લગાવ્યો છે. નબળી ગુણવત્તાની કફ સિરપનો જથ્થો બજારમાંથી પર ખેંચવાના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. રિલાઈફ અને રિસ્પીફ્રેશ TRમાં DEGનું પ્રમાણ વધુ મળ્યું છે. કિડની માટે અત્યંત ઘાતક ડાયથિલીન ગ્લાયકોલનું પ્રમાણ વધુ મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના પર ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે નબળી ગુણવત્તાનું સામે આવતા જ તપાસ હાથ ધરાઈ છે. બજારમાં રહેલો તમામ જથ્થો પાછો ખેંચવા આદેશ અપાયા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરાઈ છે. છેલ્લામાં છેલ્લી બોટલ પરત ન આવી જાય ત્યાં સુધી નજર રખાશે. કફ સિરપ સિવાયની બાળકની અન્ય દવાઓની પણ તપાસ થશે.મધ્ય પ્રદેશમાં કોલ્ડ્રિફ કફ સિરપથી બાળકોના મોત બાદ તપાસનો ધમધમાટ હાથ ધરાયો હતો. અને તંત્ર દ્વારા અન્ય 13 જેટલી દવાઓની પણ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ગુજરાતમાંથી સપ્લાય થયેલી બે દવાઓમાં પણ DEGનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતાં વધુ મળી આવ્યું. જેને પગલે દવાઓનું વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશન રોકવા આદેશ આપતી નોટિસ ફટકારાઈ હતી. દવા સ્ટાન્ડર્ડ મુજબ ન હોવાનું સામે આવતા જ રાજ્ય સરકારે તાત્કાલિક તપાસ હાથ ધરતાં દવા બનાવનારી કંપની શેપ પ્રા. લી. અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.