રિપોર્ટ@ગુજરાત: રાજ્ય સરકારે રાશનકાર્ડ ધારકો માટે લીધો મોટો નિર્ણય, સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટના કાર્ડ ધારકો છે, જેઓ રાજ્ય સરકારનાં સસ્તા અનાજનો લાભ મેળવે છે. ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં હવે ફક્ત લાયસન્સ ધરાવતા દુકાનદારો જ સસ્તા અનાજની દુકાન ચલાવી શકશે. રાજ્ય સરકારના નિર્ણયમાં દુકાનદારોની મનમાની પર લગામ લગાવવામાં આવી છે.
દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં. હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે. જેના માટે તમામ દુકાનોમાં સરકાર ટૂંક સમયમાં બાયોમેટ્રિક મશીન લગાવશે. આ સાથે જ હવે દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં. દુકાનદારોને દુકાન બંધ રાખવા માટે મામલતદાર પાસેથી રજાની મંજૂરી લેવી પડશે. સસ્તા અનાજની દુકાનોને લઈને રાજ્ય સરકારને ઘણાં સમયથી ફરિયાદો મળી રહી હતી.
72 લાખ રાશનકાર્ડ ધારકો સામે રાજ્યમાં 700 જેટલી સસ્તા અનાજની દુકાનો છે, જેમાંથી ઘણી દુકાનો બંધ હોવાની ફરિયાદો મળી હતી. જેને અટકાવવા માટે હવે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે, હવે ફક્ત લાયસન્સ ધારક વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિને દુકાન ભાડે આપી શકશે નહીં. આ સાથે જ રાશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે અને પોતાની ગેરહાજરીમાં પણ અન્ય વિતરકને પોતાનો ચાર્જ સોંપીને અનાજ વિતરણ ચાલું રાખવું પડશે.