રીપોર્ટ@ગુજરાત: સહકારી માળખાને મજબૂત કરવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જાણો વિગતે
નવી 9 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો બનશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સહકારી માળખાને વધુ મજબૂત કરવા અને છેવાડાના ખેડૂતો સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં 09 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં ગ્રામ્ય સહકારી બેંકોનો વ્યાપ વધારવા માટે આ વિશેષ પહેલ કરવામાં આવી છે.
નાબાર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી 'એપ્રોચ નોટ'ના આધારે ગુજરાતમાં આ નવી બેંકોની સ્થાપના કરવામાં આવશે.રાજ્યની હાલની મોટી સહકારી બેંકોનું વિભાજન કરીને નવા જિલ્લાઓમાં સ્વતંત્ર બેંકો અસ્તિત્વમાં આવશે.નવા જિલ્લાઓમાં સ્વતંત્ર બેંક હોવાથી ખેડૂતોને લોન અને ધિરાણ મેળવવામાં વહીવટી સરળતા રહેશે. ખેડૂતોએ હવે બેંકિંગ કામકાજ માટે જૂના મોટા જિલ્લાઓના હેડક્વાર્ટર સુધી લાંબુ થવું નહીં પડે. ગ્રામીણ સ્તરે નાણાકીય લેવડદેવડ વધતા સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે. રાજ્ય મંત્રીમંડળની મંજૂરી બાદ, હવે રાજ્ય સરકાર નાબાર્ડ મારફતે ભારતીય રિઝર્વ બેંકને આ અંગેની દરખાસ્ત મોકલશે. RBI ની અંતિમ મંજૂરી અને લાયસન્સ મળ્યા બાદ આ બેંકો વિધિવત રીતે કાર્યરત થશે.

