રિપોર્ટ@ગુજરાત: ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, જમીન વેચાણની નોંધ દાખલ-પ્રમાણિત કરવી બનશે સરળ

 
નિર્ણય
ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામુ નિયત નમુનામાં રજૂ કરવાનું રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ મળશે. મહેસૂલ વિભાગે જાહેરાત કરી છે કે ખેડૂત ખરાઈ માટે હવે 6 એપ્રિલ 1995 થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે.

ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરવાની પ્રક્રિયા આકરી હતી. વિવિધ કારણોસર આ પુરાવાઓ મળતા ન હોવાથી વેચાણ નોંધો અને બિનખેતી અરજીઓ નામંજૂર કરવામાં આવે તેવા કિસ્સા બનાતા હતા. જેને સરળ બનાવાયા છે. અને હવે 6 એપ્રિલ 1995 થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે. ખેડૂત ખરાઈ માટેની પ્રક્રિયામાં અનેક તકલીફો પડતી હતી. પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમજ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ મળતા ન હતા.

જે અંગે મુખ્યમંત્રીને રજૂઆતો કરાઈ હતી. જેથી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે. પરંતુ હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લીટીગેશન કે તપાસ પડતર છે, તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહિ.આવી ખેતીની જમીનના હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂતે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામુ નિયત નમુનામાં રજૂ કરવાનું રહેશે. આ સાથે બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે, ત્યારે માત્ર ખેડૂત ખરાઈ માટે 6 એપ્રિલ 1995 પછીનો જ રેકર્ડ ધ્યાને લેવાશે.