રીપોર્ટ@ગુજરાત: સાબરમતી જેલ સહિત તમામ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કચેરીના સત્તાવાર ઈ-મેલ આઈડી પર અમદાવાદની મધ્યસ્થ સાબરમતી જેલ સહિત રાજ્યભરની તમામ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતાં સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. અજાણ્યા શખસ દ્વારા મોકલવામાં આવેલા આ ધમકીભર્યા મેલની જાણ થતાં જ રાજ્ય પોલીસ વડાની કચેરી દ્વારા તમામ જેલ અધિક્ષકો અને જિલ્લા પોલીસ વડાઓને તાત્કાલિક અસરથી હાઈ ઍલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ ટીમોએ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચીને સંવેદનશીલ બેરેકો અને પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને મેલ મોકલનારનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડીજીપી ઓફિસમાં આવેલા ઈ-મેલમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતની જેલોને ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મેલની ગંભીરતાને ધ્યાને રાખીને સાબરમતી જેલ ખાતે સ્નિફર ડોગ્સ, મેટલ ડિટેક્ટર અને આધુનિક સર્ચિંગ સાધનો સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. જેલ પરિસરમાં બહારથી આવતા મુલાકાતીઓ, વાહનો અને સપ્લાયની ચકાસણી વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત જેલ સ્ટાફ સિવાયના કોઈપણ અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લગાવીને ચોકી-પહેરા વધુ કડક કરી દેવાયા છે.
ડીજીપી કચેરીને મળેલા આ મેઇલનું મૂળ શોધવા માટે સાયબર ક્રાઇમની ટેકનિકલ ટીમે એફએસએલના ડિજિટલ નિષ્ણાતોની મદદ લીધી છે. પ્રાથમિક તપાસમાં મેલ મોકલવા માટે પ્રોક્સી સર્વર, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અથવા એન્ક્રિપ્ટેડ મેલ સર્વિસનો ઉપયોગ કરાયો હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. સાયબર સેલ ઈ-મેલ હેડર અને સર્વર લોગ્સ આધારે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ એકત્ર કરી રહ્યું છે. સાબરમતી જેલમાં સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિતો, ગેંગસ્ટરો અને આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા કેદીઓ બંધ હોવાથી હાઈ સિક્યોરિટી ઝોન તથા અંડા સેલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

