રીપોર્ટ@ગુજરાત: ઉમરપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, 24 કલાકમાં 8.11 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલવામાં આવતા કાંઠાના વિસ્તારોને એલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉમરપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. 24 કલાકમાં 8.11 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. રાજ્યભરના દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લાગણી પ્રસરી છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરે ભયજનક સપાટી વટાવી દીધી છે, તેમજ ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલવામાં આવતા તાપી નદીના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં વરસાદી આગાહી મુજબ વરસાદે ઝડપ પકડી છે અને ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકો છે, જ્યાં 6.89 ઇંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી છે. બોડેલીમાં 6.46 ઇંચ અને પાવીજેતપુરમાં 5.71 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જેમાં ભરૂચ તાલુકામાં 5.39 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ અને અંકલેશ્વરમાં 4.96 ઇંચ વરસાદ ખાબક્યો છે.આ સાથે જ રાજ્યના કુલ છ તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 14 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 23 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી નોંધપાત્ર આંકડો એ છે કે રાજ્યના કુલ 48 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. કુલ 195 તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી આપી છે, જેને કારણે સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમીમાંથી રાહત મળી છે.