રીપોર્ટ@ગુજરાત: સુરતમાં બે કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, આભ ફાટ્યા જેવી સ્થિતિ

 
વરસાદ
ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં સાબરકાંઠા બાદ આજે મેઘરાજાએ સુરતનો વારો પાડ્યો હોય તેમ જણાય છે. આજના આંકડા અનુસાર સુરતમાં સવારના બે કલાકમાં જ પોણા છ ઇંચ જેટલો વરસાદ પડી જતાં મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતથી મળતાં અહેવાલો અનુસાર અડાજણ પાટિયાના વીડિયોના દૃશ્યો જણાવી રહ્યા છે કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક લોકોના વાહનો ઘૂંટણ સમા પાણીમાં ભરાઈ જવાથી ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા પણ લોકોને મદદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર ઇનિંગ યથાવત્ જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે પણ મૂશળધાર વરસાદ બાદ, આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતાં શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના શરુ થતાં, જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આજે વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે. સુરત શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન થંભી ગયું હતું.