રીપોર્ટ@ગુજરાત: ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામો, 90 ટકા બેઠકો પર ભાજપનો કબજો

 
ભાજપ

15 મહાનગરપાલિકાઓમાં બેસશે ભાજપના મેયર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એપ્રિલ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીએ અજેય દબદબો જાળવી રાખી 90% થી વધુ બેઠકો પર કબજો કર્યો છે. સુરતથી લઈને જામનગર સુધી અને કચ્છથી લઈને નર્મદા સુધીના પરિણામોએ આગામી વિધાનસભા ચૂંટણી માટેના સંકેતો આપી દીધા છે. સુરતના ઈતિહાસમાં પહેલીવાર ભાજપે 120માંથી 115 બેઠકો જીતીને વિરોધ પક્ષના અસ્તિત્વને જ ભૂંસી નાખ્યું છે.

ગત ચૂંટણીમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે. વિપક્ષી નેતા પાયલ સાકરીયા અને મનોજ સોરઠીયા જેવા દિગ્ગજોની હાર ભાજપની મજબૂત વ્યૂહરચના દર્શાવે છે. અમદાવાદના ખાડિયા વોર્ડમાં 54 વર્ષ બાદ કોંગ્રેસે ઐતિહાસિક ‘ક્લીન સ્વીપ’ કરી છે. ભાજપના આ પરંપરાગત ગઢમાં કોંગ્રેસની આખી પેનલનો વિજય થવો એ રાજ્યના સૌથી મોટા સમાચાર છે.જામનગર મનપામાં 60માંથી 59 બેઠકો પર ભાજપની જીત થતા રાજ્ય મંત્રી રિવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ હર્ષઘેલા થઈને એકબીજાને ભેટી પડ્યા હતા, જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

પૂર્વ IPSની કારમી હાર: અરવલ્લીની ઓડ બેઠક પરથી નિવૃત્તિના બે મહિના પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પૂર્વ IPS મનોજ નિનામાનો 2744 મતોથી પરાજય થયો છે. જૂનાગઢમાં ભાજપના ભૂપત ભાયાણી અને રાજકોટમાં રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર થઈ છે. ઉનામાં લોકગાયિકા રાજલ બારોટ અને વિજાપુરમાં અભિનેત્રી નેહા સુથાર વિજેતા બન્યા છે. વડોદરામાં સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારનો પણ ભવ્ય વિજય થયો છે. શહેરોમાં ધોવાણ થયા છતાં આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયત અને દેડિયાપાડા-સાગબારા તાલુકા પંચાયતોમાં ભાજપને પછડાટ આપી સત્તા હાંસલ કરી છે.

બનાસકાંઠાના દિયોદર અને લાખણી તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે બહુમતી મેળવી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.મહેસાણામાં ભાજપે ‘કમલમ’ કાર્યાલયમાં 27 વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલને ટિકિટ આપી હતી, જેઓ વિજેતા બનીને હવે મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે બેસશે. તેવી જ રીતે બહુચરાજીમાં બંગડીઓ વેચતા સંશીબેન કાંગશિયાએ પણ જીત મેળવી સાબિત કર્યું છે કે લોકશાહીમાં સામાન્ય માણસ પણ શાસક બની શકે છે.