રીપોર્ટ@ગુજરાત: કોસ્ટગાર્ડને જોઈ ભાગેલી શંકાસ્પદ બોટ દમણમાંથી ઝડપાઈ, તંત્ર એલર્ટ મોડ પર

 
બોટ
પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જાફરાબાદથી 22 નોટિકલ માઈલ દૂર એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી અને જાફરાબાદમાં દેખાયેલી બોટ ફિશિંગની હોવાની માહિતી સામે આવી છે. કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર મારફતે બોટને દમણથી આંતરી લેવાઈ હતી અને બોટમાં સવાર લોકોને રાઉન્ડપ કરી બહાર કાઢી લેવાયા છે, તો બીજી તરફ બોટમાં રહેલા લોકો વિશે હજુ સુધી માહિતી કોઈ સામે આવી નથી, દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ અમરેલી તંત્ર એલર્ટ મોડ પર છે.

માછીમારોને નવી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.તકેદારીના ભાગરૂપે તમામ માછીમારોને પરત બોલાવ્યા છે અને જાફરાબાદ, ચાંચબંદર, ધારાબંદર, શિયાળબેટ, નવા બંદર સહીતના બંદરો પર સૂચના અપાઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવ બાદ પાકિસ્તાન તરફથી ભારતના શહેરો પર કરવામાં આવેલા હુમલા બાદ ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે.

હાલમાં ગુજરાતની દરિયાઈ સીમા પણ એક અજાણી બોટ જોવા મળતા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. અમરેલીના જાફરાબાદના દરિયામાં 22 નોટીકલ માઈલ દૂર માછીમારોએ એક અજાણી બોટ હોવાની કોસ્ટગાર્ડને માહિતી આપી હતી. ત્યાર બાદ માછીમારોએ આ બોટને રોકવાનો પ્રયાસ કરતાં બોટ લઈને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ધારાસભ્ય હીરા સોલંકી પણ જાફરાબાદના દરિયા કાંઠે પહોંચી ગયા હતાં.