રીપોર્ટ@ગુજરાત: હાઈકોર્ટમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હોવાનો ઈ-મેઈલ મળતા તંત્રમાં દોડધામ
તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સવારે મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ હવે ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હોવાનો અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક અનામી ઈમેઈલ મળતા સુરક્ષા એજન્સીઓમાં આજે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોલા હાઈકોર્ટ પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટના ઓફિશિયલ ઈમેઈલ આઈડી પર એક મેસેજ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંકુલની અંદર વિસ્ફોટકો પ્લાન્ટ કરી દેવામાં આવ્યા છે અને કોર્ટને ઉડાવી દેવામાં આવશે.આ મેઈલ ધ્યાનમાં આવતાની સાથે જ હાઈકોર્ટના વહીવટી તંત્રએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. સોલા હાઈકોર્ટ પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના પગલા રૂપે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. સુરક્ષા જવાનોએ સમગ્ર સંકુલમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઈકોર્ટ જેવી સંવેદનશીલ જગ્યા માટે મળેલી ધમકીને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે. તપાસ અધિકારીઓ હાલમાં ઈમેઈલનું આઈપી એડ્રેસ (IP Address) ટ્રેસ કરી રહ્યા છે, જેથી જાણી શકાય કે મેઈલ રાજ્યની અંદરથી આવ્યો છે કે કોઈ વિદેશી સર્વરનો ઉપયોગ થયો છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, સર્વર લોગ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓની ચકાસણી કરી રહી છે.અત્યાર સુધીના અહેવાલ મુજબ તપાસ દરમિયાન સંકુલમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વેરિફિકેશનની પ્રક્રિયા હજુ ચાલુ છે.

