રીપોર્ટ@ગુજરાત: નદીમાંથી મહાકાળી માતાની મૂર્તિ પ્રગટ થયાની ચર્ચા, પોલીસે કરી મોટી કાર્યવાહી

 
મહીસાગર
ખંડિત મૂર્તિ હોવાથી પૂજા ન થઈ શકે

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહીસાગર નદીમાં તાત્રોલી બ્રિજ પાસે મહાકાળી માતાની મૂર્તિ પ્રગટ થઈ હોવાની વાત વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી હતી. નદીમાંથી માતાજીની મૂર્તિ દેખાઈ હોવાના સમાચાર મળતા જ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ મામલે કોઈ વિવાદ ઊભો થાય કે અંધશ્રદ્ધા ફેલાય તે પહેલા જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તાત્રોલી બ્રિજ પાસે નદીમાં લોકોની ભીડ એકત્રિત થતા કડાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે નદીમાં દેખાયેલી મહાકાળી માતાની આ મૂર્તિ ખંડિત અવસ્થામાં છે. શાસ્ત્રોક્ત નિયમો અને ધાર્મિક માન્યતા મુજબ ખંડિત મૂર્તિની પૂજા કરી શકાતી નથી. આ ઉપરાંત, આ બાબતને લઈને કોઈ ધાર્મિક વિવાદ વધે નહીં તે માટે પોલીસે સમજાવટ અને સતર્કતા દાખવીને મૂર્તિને ત્યાંથી હટાવવાનો નિર્ણય લીધો હતો. વહીવટી તંત્ર દ્વારા અંધશ્રદ્ધા ન ફેલાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા. કડાણા પોલીસે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી મહીસાગર નદીના પટમાંથી મહાકાળી માતાની આ ખંડિત મૂર્તિને સુરક્ષિત રીતે હટાવી લીધી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આ ખંડિત મૂર્તિનું વિધિવત રીતે ડેમમાં વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. તંત્રની આ સમયસૂચક કાર્યવાહીના કારણે કોઈપણ અનિચ્છનીય ઘટના કે વિવાદ સર્જાતા અટકી ગયો હતો.