રીપોર્ટ@ગુજરાત: TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરના શિક્ષકોનો ગાંધીનગરમાં હલ્લાબોલ

 
વિરોધ

2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષણ વિભાગમાં કાર્યરત શિક્ષકો માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET)ને ફરજિયાત ગણાવતા આપવામાં આવેલા તાજેતરના ચુકાદા બાદ ગુજરાત સહિત દેશભરના શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ નિર્ણયના વિરોધમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગરમાં એકત્ર થયા હતા અને સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી.શિક્ષકોનું કહેવું છે કે વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોએ વર્ષો સુધી સફળતાપૂર્વક શિક્ષણ કાર્ય કર્યું છે. તેથી તેમને હવે નવી ફરજિયાત પરીક્ષા આપવાની શરત લાદવી અન્યાય સમાન છે. આ મુદ્દે સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરીને યોગ્ય નિર્ણય કરાવવો જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે.

ગાંધીનગરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, બનાસકાંઠા, પંચમહાલ, અરવલ્લી સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર સમક્ષ પોતાની માંગણીઓને તાત્કાલિક સ્વીકારવાની અપીલ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે હવે રાજ્યવ્યાપી આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી હોવાનું શિક્ષકોનું કહેવું છે.

શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા તમામ શિક્ષકોને ફરજિયાત TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાનો મુદ્દો સૌથી મહત્વનો રહ્યો હતો. શિક્ષકોનું કહેવું છે કે જ્યારે તેમની ભરતી થઈ હતી ત્યારે TET ફરજિયાત નહોતી અને તે સમયની ભરતી પ્રક્રિયા અનુસાર જ તેઓએ નોકરી મેળવી હતી. તેથી હવે વર્ષો બાદ નવી શરતો લાગુ કરવી યોગ્ય નથી. શિક્ષક આગેવાનોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી સેવા આપી રહેલા અનુભવી શિક્ષકોના કાર્યનું મૂલ્યાંકન તેમની કામગીરીના આધારે થવું જોઈએ, નવી પરીક્ષા દ્વારા નહીં. તેઓએ સરકારને આ મુદ્દે કેન્દ્ર સાથે ચર્ચા કરીને અનુભવી શિક્ષકોને રાહત અપાવવાની માંગ કરી હતી.

પ્રદર્શન દરમિયાન માત્ર TETનો મુદ્દો જ નહીં પરંતુ અન્ય અનેક પડતર પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. શિક્ષકોએ 1 એપ્રિલ, 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માંગ કરી હતી. ઉપરાંત ધોરણ 6થી 8ના શિક્ષકોને તેમની જવાબદારીને અનુરૂપ અલગ ગ્રેડ પે નક્કી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત HTAT આચાર્યોને એકથી વધુ શાળાઓનો વધારાનો વહીવટી ચાર્જ સોંપવાના નિર્ણયને પરત ખેંચવાની માંગ પણ કરવામાં આવી હતી.