રીપોર્ટ@ગુજરાત: સરખેજ-ધોળકા રોડ પર આવેલી તલાવડી નજીક વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર

 
ઘટના
પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર આવેલી એક તલાવડી નજીક આજે વહેલી સવારે એક 85 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માનસિક બીમારીથી પીડાતા વૃદ્ધા મોડી રાત્રે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા બાદ આ કરુણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મૃતક વૃદ્ધાની ઓળખ 85 વર્ષીય સમુબેન તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર, સમુબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થ હતા.

આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ તેઓ પરિવારમાં કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. વહેલી સવારે અંદાજે 7 વાગ્યાની આસપાસ સરખેજ-ધોળકા રોડ પર તલાવડી અને માર્ગની કિનારે સમુબેનનો મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આક્રંદ છવાઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા સરખેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.