રિપોર્ટ@ગુજરાત: રાજ્ય સરકારે વડોદરામાં પૂરના નુકશાનની આર્થિક સહાય માટે કરી મોટી જાહેરાત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા સૌથી વધુ પૂરની પરિસ્થીતી વેઠીને બહાર આવી રહ્યું છે. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પૂર પીડિતો માટે મહત્વની સહાયની જાહેરાત કરી છે. આ નિર્ણય લોકોના પુનર્વસન માટે મહત્વનો સાબિત થશે તેમ માનવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા લારી ધારકથી લઇને માસિક ટર્ન ઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવા સુધીનાની દરકાર કરતા મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પૂર પીડિતોને કરવામાં આવેલી જાહેરાત વિગતવાર આ પ્રમાણે છે.
પૂર પીડિતો લારી તથા રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5 હજારની રોકડ સહાય આપવામાં આવનાર છે. જ્યારે 40 સ્કવેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20 હજાર ચુકવવામાં આવશે. 40 સ્કવેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 40 હજારની રોકડ સહાય આપવામાં આવશે. નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને રૂ. 85 હજારની રોકડ સહાય આપવામાં આવનાર છે. આ સાથે માસિક ટર્ન ઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાન ધારકને રૂ. 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7 ટકાના દરે રૂ. 5 લાખની મર્યાદામાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર પીડિતો માટે કેશ ડોલ્સ, ઘરવખરી સામાનની સહાય ચૂકવણી લગભગ પૂર્ણતાના આરે છે. ત્યારે સરકાર દ્વારા લોકોના હિતમાં મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.