રિપોર્ટ@ગુજરાત: ભાજપના આ સાંસદની જાહેર મંચ પર સ્પષ્ટ શબ્દોમાં ધમકી, જાણો વિગતે

 
રાજકારણ
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ, ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભાની ચૂંટણી જીતેલા આ સાંસદે, ગર્વિષ્ઠ રીતે કહ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ના કરે, હુ હિસાબ કરીશ. આ પ્રકારની ધમકી જાહેર મંચ પરથી જે રીતે અપાઈ છે તે જોતા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભાજપમાં રહેલા તેમના વિરોધીઓને સાંસદે હિસાબ પુરો કરવાની ધમકી આપી છે. જેઓ આડકતરી રીતે એમ પણ કહી રહ્યાં છે કે, જો ભારતીય જનતા પક્ષ, મારા વિરોધીઓ સામે પગલા નહીં ભરે તો તેઓ તેમની રીતે તેનો હિસાબ કરશે.

જૂનાગઢ સંસદીય મતક્ષેત્રમાં પ્રાચી ખાતે આયોજીત કાર્યકર્તા આભાર દર્શન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોને સંબોધતા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ, ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા. રાજેશ ચુડાસમાના આ શબ્દો બાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ ભાજપમાં નવા વમળો સર્જે તો નવાઈ નહીં. રાજેશ ચુડાસમાએ તેમના સંબોધન દરમિયાન ધમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, મને જે નડ્યા છે તેમને હુ મુકવાનો નથી. ભાજપ હિસાબ કરે કે ના કરે, હુ હિસાબ કરીશ.

તેમણે ગર્વિષ્ઠ ભાષામાં એમ પણ કહ્યું કે, મારા એક પત્ર લખવાથી અધિકારીઓની બદલી થઈ જાય તેવી મારી તાકાત છે. મને હરાવવા માટે ઘણા પરિબળો કામ કરતા હતા તેનો હિસાબ થશે.પ્રાચી ખાતે આયોજીત કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં જે રીતે સાંસદ રાજેશ ચુડાસમાએ, ખુલ્લેઆમ ચિમકી ઉચ્ચારી છે તે સ્પષ્ટ કરી આપે છે કે, રાજેશ ચુડાસમાએ ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા તેમના વિરોધીઓને ધમકી આપી છે.