રિપોર્ટ@ગુજરાત: ત્રણ શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ

 
કાર્યવાહી
1000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના ત્રણ મોટા શહેરોની મહાનગરપાલિકા કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. જામનગર, સુરત અને વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીઓને અજાણ્યા શખ્સો દ્વારા ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગ સહિતની એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી.

સૌથી વધુ અસર જામનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં જોવા મળી હતી. ધમકીભર્યો ઈમેલ મળતા જ તંત્ર દ્વારા કચેરીને તાત્કાલિક ખાલી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અંદાજે 1000થી વધુ કર્મચારીઓ તેમજ વિવિધ કામકાજ માટે આવેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અચાનક કચેરી ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ થતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સમગ્ર પરિસરને કબજામાં લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જામનગર બાદ સુરત અને વડોદરા મહાનગરપાલિકાને પણ સમાન પ્રકારના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. સુરત મનપા કચેરી ખાતે પોલીસનો મોટો કાફલો, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પહોંચી હતી.

બીજી તરફ વડોદરા મહાનગરપાલિકામાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને શહેરોમાં કચેરીના તમામ વિભાગો, રૂમો, પાર્કિંગ વિસ્તારો અને આસપાસના સ્થળોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. ત્રણેય શહેરોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની વિશેષ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. આધુનિક સાધનોની મદદથી દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ ધમકીભર્યા ઈમેલના સ્ત્રોત સુધી પહોંચવા માટે પણ ટેકનિકલ તપાસ ચલાવી રહી છે.