રીપોર્ટ@જામનગર: ચાંદીપુરા વાયરસથી વધુ બે શંકાસ્પદ બાળકોના મોત, આરોગ્ય તંત્રમાં ચિંતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને સારવાર ચાલી રહી છે. આજે સારવાર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના એક બાળક તથા કલ્યાણપુરના એક બાળક સહિત બે બાળકોના મૃત્યુ નીપજતાં આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ છ બાળ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
તેમાં સૌપ્રથમ જામનગરના એક શંકાસ્પદ ચાંદીપુરા ના કેસના સંદર્ભમાં દાખલ થયેલા એક બાળદર્દીના મૃત્યુ ના બનાવ પછી આજે મૃત્યુ પામેલા દેવભૂમિ દ્વારકાના બે બાળકો સહિત કુલ ત્રણ બાળકોના મોત થયા છે.મૃત્યુ પામેલા બાળકોમાં જામનગર જિલ્લાના એક બાળક તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે બાળકોનો સમાવેશ થાય છે. હાલ હોસ્પિટલમાં વધુ ત્રણ બાળકો સારવાર હેઠળ છે, જેમાં જામનગર શહેરનો એક તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે બાળકોનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, જામનગર જિલ્લાના બંને બાળકોના ચાંદીપુરા વાયરસના પરીક્ષણના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાળકોના સેમ્પલો વધુ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તેથી હાલ તમામ દર્દીઓને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ તરીકે સારવાર આપવામાં આવી રહી છે.

