રીપોર્ટ@ગુજરાત: ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો વધ્યો, DYCMની તાબડતોડ બેઠક

 
ગાંધીનગર
હર્ષ સંઘવીએ લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં અચાનક વધારો થતાં આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં ટાઇફોઇડના સંકાયેલા 104થી વધુ કેસ નોંધાયા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક એક્શનમાં આવી ગયા છે. તેમણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને દાખલ દર્દીઓને મળી ખબર-અંતર પૂછ્યા હતા અને સારવારની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

આ ઘટના પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના કાર્યાલય ખાતે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં મેયર મીરા પટેલ, જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રોગચાળાને નિયંત્રણમાં લાવવા યુદ્ધના ધોરણે કામગીરી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, "હાલ 104 સંકાયેલા કેસ નોંધાયા છે. વહીવટી તંત્ર સતત સારવાર અને મોનિટરિંગની વ્યવસ્થા મજબૂત કરી રહ્યું છે. દર્દીઓ અને તેમના પરિવારજનોને વધુ સારી સુવિધાઓ આપવા પ્રયાસો ચાલુ છે." વધુમાં 22 ડોક્ટર્સની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે, અને દર્દીઓના પરિવારજનો માટે ભોજન તથા અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.હાલમાં તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને તેમને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અસુરક્ષિત પીવાના પાણીને કારણે આ કેસ વધ્યા હોવાનું અનુમાન છે. ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે શરૂ કરી દીધો છે.