રીપોર્ટ@ગુજરાત: ઉધના રેલવે સ્ટેશન યુદ્ધના મેદાનમાં ફેરવાયું, લોકો બાઉન્ડ્રી કૂદ્યા, પોલીસે લાઠીચાર્જ કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા સામે ટ્રેનોની અછતને કારણે આજે ઉધના રેલવે સ્ટેશન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુસાફરો કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા બાદ ધીરજ ખૂટતા ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રેલવે સ્ટેશન પર પીવાના પાણીની પણ સુવિધા ન હતી.
પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે તરસ્યા મુસાફરો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર, રેલવે સ્ટેશન પર પાંચ કિલોમીટર જેટલી લાંબી મુસાફરોની લાઈન જોવા મળી હતી.ઉધના સ્ટેશનની બહાર મુસાફરોની લાઈન 3 કિલોમીટરથી વધુ લાંબી પહોંચી હતી. 7000થી વધુ મુસાફરોની ભીડ સામે માત્ર બે ટ્રેનની સુવિધા હોવાથી અફરાતફરી મચી હતી.
અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે લાઈનમાં ઊભેલા બે મુસાફરો બેભાન થઈ ગયા હતા. ભીડને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ અને સુરક્ષા દળોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે તરસ્યા લોકો પાણીની બોટલો માટે એકબીજા પર તૂટી પડ્યા હતા. સ્ટેશન પર એક અત્યંત કરુણ કિસ્સો પણ જોવા મળ્યો હતો, જેમાં એક લાચાર યુવક પોતાની પત્નીની અસ્થિઓ હાથમાં લઈને કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે સંઘર્ષ કરતો રહ્યો હતો.
રેલવે ડીવાયએસપી દીપક ગૌડે જણાવ્યું હતું કે, 'આજે એનાઉન્સ થયેલી ટ્રેનોની સરખામણીએ પેસેન્જરોની સંખ્યા ઘણી વધારે છે. અમે લોકોને સમજાવ્યા છે કે જો વધારાની સ્પેશિયલ ટ્રેન જાહેર કરવામાં આવશે, તો તંત્ર દ્વારા તુરંત જાણ કરવામાં આવશે. નાના બાળકો અને મહિલાઓ સાથે આકરી ગરમીમાં મુસાફરોને બિનજરૂરી ન રોકાવા વિનંતી કરવામાં આવી છે. 'મુસાફરોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા દર વર્ષે સર્જાતી આ ભીડ અંગે અગાઉથી કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.

