રીપોર્ટ@ગુજરાત: ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિતોને રાહુલ ગાંધીને મળવા ન દેતા કાર્યક્રમમાં હોબાળો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. આણંદ ખાતેના તેમના કાર્યક્રમમાં એક અણધારી ઘટના બની, જેમાં તાજેતરમાં બનેલી વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળતા અટકાવવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું.
રાહુલ ગાંધી આણંદના બંધન પાર્ટી પ્લોટમાં એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ દરમિયાન, ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પીડિત પરિવારોના લગભગ 10 જેટલા લોકો ન્યાયની આશા સાથે ત્યાં પહોંચ્યા હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રાહુલ ગાંધીને રૂબરૂ મળીને પોતાની વ્યથા રજૂ કરવાનો અને આ મામલો કેન્દ્ર સરકાર સુધી પહોંચે તે માટે તેમનો અવાજ બુલંદ કરવાનો હતો.
પોલીસે આ પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળતા અટકાવ્યા. પીડિત પરિવારો અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ વચ્ચે પોલીસ સાથે ઉગ્ર રકઝક થઈ હતી. પોલીસે સુરક્ષાના કારણોસર તેમને અંદર પ્રવેશ આપ્યો નહોતો.આ મામલે સુરક્ષામાં હાજર પોલીસે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, જે પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળવા આવ્યા હતા, તેમની પાસે કાર્યક્રમમાં પ્રવેશ માટેના જરૂરી પ્રવેશ કાર્ડ નહોતા. પોલીસે દલીલ કરી કે સુરક્ષાના પ્રોટોકોલ મુજબ, કાર્ડ વિના કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપી શકાય નહીં અને તેઓ ફક્ત તેમની ફરજ બજાવી રહ્યા હતા. ત્યા હાજર કોંગ્રેસી કાર્યકરોનું સ્પષ્ટપણે કહેવું હતું કે, આવા બનાવો તેમની સાથે વારંવાર બને છે. તેમણે રાજકોટ આગકાંડ અને મોરબી પુલ દુર્ઘટનાના પીડિતોને પણ નેતાઓને મળવા દેવામાં ન આવ્યા હોવાના દાખલા આપ્યા.