રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં વધતા ક્રાઇમને લઈને રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી તાત્કાલિક બેઠક
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા કેટલાક સમયમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ હોય કે પછી દારૂ હોય, આ પ્રકારના નબીરાઓ જાહેરમાં કાયદાના લીરેલીરા ઉડાડે છે. આ પ્રકારના લોકો જાહેરમાં ગુનાઓ કરે, કાયદા તોડે અને સરકાર સાથે પોલીસની કામગીરીના પણ ધજાગરા પણ ઉડાડે છે. ત્યારે હવે આ પ્રકારના ગુનાઓ સામે આવે એટલે પોલીસ અચાનક એક્શનમાં આવે.આજે બોપલ-આંબલી રોડ પર બનેલ અકસ્માત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને પોલીસ અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી.
અમદાવાદ અને રાજ્યમાં વધી રહેલા ક્રાઇમના કેસને લઈને આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત રાજ્યના ઊચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરના વધતા ગુનાઓ બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. અલગ અલગ ઝોનના DCP અને વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહેલી હિટ એન્ડ રનની ઘટનાઓને લઈને પણ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી.