રિપોર્ટ@ગુજરાત: કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે વલખા, સરકારી યોજના માત્ર કાગળ પર!

 
ભ્રસ્ટાચાર
ચૂંટાયેલા પ્રતિનિધિ અને તલાટી પણ આ વિસ્તારમાં દેખાતા નથી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરકાર દ્વારા હરઘર નળની વાતો કરી હાલ ચાલતી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મોટો પ્રચાર કરી મતો પ્રજા પાસે માંગી રહી છે. ગળતેશ્વર તાલુકામાં આવેલ જરગાલ ગ્રામપંચાયતના પેટા પરા વિસ્તાર ધોળાની મુવાડી ગામમાં જાણે કે યોજનાના નામે વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. યોજના માત્ર કાગળ ઉપર હોય તેમ લાગે છે.

અહીંની મહિલાઓ ઉનાળાના ધકધકતા તાપમાં પણ બે બેડાં પાણી માટે લાંબુ અંતર કાપી લાઈનોમાં લાગી એકમાત્ર હેડ પમ્પ તે પણ બે માસ પહેલા જ બન્યો છે. ત્યાંથી પાણી મહામુસીબતે ભરી લાવે છે. આ પાણી પીવા લાયક નથી. ખારું પાણી છે જેથી માત્ર વપરાશમાં જ તેનો ઉપયોગ થાય છે. આમ છતાં મજબૂરીમાં આ પાણી લોકો જાતે પીવે છે અને પશુઓને પણ આ પાણી પીવડાવે છે.

ધોળાની મુવાડીના એક વિસ્તારમાં આવતા ગ્રામપંચાયતના પાણી લોકો પોતાના ઘરે થી અન્ય પાણી વિનાના વિસ્તારના લોકોને ભરવા પણ દેતા નથી. જેથી આ તરસ્યા લોકોને વધુ સહન કરવાની વરી આવે છે. ધોળાની મુવાડી વિસ્તાર જરગાલ ગ્રામપંચાયત થી ત્રણ કિમીના અંતરે આવેલ છે. જેથી તેના પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિ અને તલાટી પણ આ વિસ્તારમાં દેખાતા નથી. પાણી સહિતના પ્રશ્નોને લઈ લોકોમાં ભારે રોષ છે. ત્યારે તાત્કાલિક પીવાનું પાણી આ લોકો સુધી પહોંચે તે ઇચ્છનીય છે.