રિપોર્ટ@ગુજરાત: પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 બની દેશની સર્વશ્રેષ્ઠ સુશાસન યુક્ત પંચાયત, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ થીમ અંતર્ગત સુશાસન યુક્ત પંચાયત શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.11 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ડૉક્ટર ગૌરવ દહિયા, એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર (ગુજરાત સરકાર)ને માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતના સુશાસનમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો એવા સમયે થયો છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કર્યા છે.
ગુજરાતને મળેલા આ રાષ્ટ્રીય સન્માનને કારણે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતના સુશાસન અને વિકાસમાં નવો સીમાચિહ્ન સ્થાપિત થયો છે.દેશમાં વિકાસના મોડલ તરીકે પ્રખ્યાત ગુજરાત સામાન્ય રીતે તેના શહેરી વિકાસ અને શહેરોની આધુનિક સુવિધાઓ માટે ઓળખાય છે. પરંતુ, ગુજરાતને મળેલા આ સન્માનથી એ સાબિત થઈ ગયું છે કે રાજ્ય સરકાર શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને પંચાયત સ્તરે તમામ સુવિધાઓ અને વહીવટી વ્યવસ્થા સુધારવા માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. ગુ
ગુજરાતના પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતને મળેલો આ એવોર્ડ વર્ષ 2022-23માં નાગરિક કેન્દ્રિત સુવિધાઓ બાબતે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ 2024માં 45 એવોર્ડ વિજેતા પંચાયતોને કુલ રૂપિયા 46 કરોડની ઇનામી રકમ ફાળવવામાં આવી હતી. જે સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેમાંથી દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડના 27 વિજેતાઓ માટે સૌથી વધુ રૂપિયા 20.25 કરોડની રકમ નિર્ધારિત કરવામાં આવી હતી. 27 વિજેતા પંચાયતોને સંયુક્ત રીતે પ્રાપ્ત થયેલી આ રકમમાંથી ગુજરાતનો હિસ્સો પણ ડિજિટલ માધ્યમથી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.