રીપોર્ટ@ગુજરાત: વાવ-થરાદ જિલ્લાનો આજથી સત્તાવાર રીતે પ્રારંભ, જાણો વગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં વાવ-થરાદ જિલ્લો આજથી સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગાર મંત્રીના હસ્તે કલેકટર કચેરીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના પ્રારંભ સાથે રાજ્યમાં 4 નવા તાલુકાઓ-ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે. નવા વાવ-થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ થાય છે.
થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને નવા બનેલા બે તાલુકા (ઢીમા અને રાહ). અન્ય 2 નગરપાલિકા અને 416 ગામડાંનો સમાવેશ. આ નવા જિલ્લા માટે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકની નિમણૂક પણ સરકારે કરી દીધી છે, જેમાં કલેક્ટર તરીકે જે.એસ. પ્રજાપતિ, ડીડીઓ તરીકે કાર્તિક જીવાણી અને એસપી તરીકે ચિંતન.જે.તેરૈયાએ ચાર્જ સંભાળ્યો છે.નવા જિલ્લાનું વહીવટી કેન્દ્ર થરાદ ખાતે રહેશે.
થરાદ ખાતે આજથી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની મુખ્ય કચેરીઓ અસ્તિત્વમાં આવી છે.વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ મૂળ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, વડગામ, દાંતીવાડા, દાંતા, અમીરગઢ, ધાનેરા, કાંકરેજ સહિત નવા બે તાલુકા ઓગડ અને હડાદ મળીને કુલ 10 તાલુકાનો સમાવેશ થાય છે.