રીપોર્ટ@ગુજરાત: પોલીસ ભરતી પ્રક્રિયાને લઈને અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત, PSI-LRDની તારીખ જાહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે લાંબા સમયની રાહનો અંત આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ ભરતી પ્રક્રિયાને લઈને અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લાખો ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે LRD અને PSI શારીરિક કસોટીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી 21 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના વિવિધ જિલ્લા મથકો અને નિર્ધારિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આ કસોટી યોજવામાં આવશે.આ વખતે ભરતી પ્રક્રિયામાં કુલ 13,591 જગ્યાઓ માટે ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જેમાં PSI (બિન-હથિયારી): ઉચ્ચ અધિકારી કેડરની જગ્યાઓ. LRD (હથિયારી/બિન-હથિયારી): કોન્સ્ટેબલ કક્ષાની સૌથી વધુ જગ્યાઓ અને જેલ સિપાહી: અન્ય સંલગ્ન સુરક્ષા જગ્યાઓ.
પરીક્ષાની તારીખ જાહેર થતા જ ઉમેદવારોમાં દોડધામ મચી છે. હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારોએ વહેલી સવારથી જ ગ્રાઉન્ડ પર પરસેવો પાડવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે શારીરિક કસોટીમાં પાસ થવું અનિવાર્ય છે, કારણ કે ત્યારબાદ જ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે. ઉમેદવારોએ ટૂંક સમયમાં અધિકૃત વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. કસોટીના દિવસે જરૂરી ઓળખપત્ર અને અસલ દસ્તાવેજો સાથે રાખવા હિતાવહ છે. ઠંડીની મોસમમાં વહેલી સવારે દોડ હોવાથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને પૂરતી પ્રેક્ટિસ કરવી. પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજવામાં આવશે.

