રીપોર્ટ@ગુજરાત: દિગ્ગજ નેતા મનસુખ વસાવાનો રાજકારણને લઈ મોટો નિર્ણય, આઠમી ટર્મમાં ચૂંટણી નહીં લડે
રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરૂચ લોકસભા બેઠક પરથી સતત સાત વાર ચૂંટાતા દિગ્ગજ નેતા મનસુખ વસાવાએ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે આગામી આઠમી ટર્મમાં લોકસભાની ચૂંટણી નહીં લડવાની સ્પષ્ટ જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. મનસુખભાઈએ જણાવ્યું છે કે હવે યુવા કાર્યકરોને તક આપવાનો સમય આવી ગયો છે અને આ તેમની છેલ્લી ટર્મ છે. તેમના આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે.
તેમણે પોતાની નિવૃત્તિ પાછળનું મુખ્ય કારણ જણાવતા કહ્યું કે, "પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. હવે મારે કોઈ નવા અને યુવા કાર્યકરને તૈયાર કરવા જોઈએ." તેમણે ઉમેર્યું કે લોકશાહીમાં નવા લોહીને તક મળવી જરૂરી છે અને પોતે સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે જેથી પાર્ટી કોઈ નવા ચહેરાને આ બેઠક પરથી મેદાનમાં ઉતારી શકે. પોતાની રાજકીય સફરને યાદ કરતા ભાવુક થઈને જણાવ્યું કે, વર્ષ 1995માં તેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા અને કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી હતી. ત્યારબાદ વર્ષ 1998થી સતત તેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી વિજયી બનતા આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ બેઠક ઓપન હોવા છતાં પાર્ટીએ અને જનતાએ તેમના પર સતત વિશ્વાસ મૂક્યો છે.
સતત સાત ટર્મથી સંસદમાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરનાર મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું છે કે, હવે પછી પાર્ટી કોઈ પણ ઉમેદવાર નક્કી કરે તો તેમને કોઈ વાંધો નથી. તેમણે પાર્ટી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ પાયાના કાર્યકર તરીકે હંમેશા સક્રિય રહેશે, પરંતુ ચૂંટણીના મેદાનમાં હવે તેઓ ઉમેદવાર તરીકે જોવા નહીં મળે. મનસુખ વસાવા જેવી કદાવર વ્યક્તિ જ્યારે ચૂંટણી મેદાનમાંથી હટવાની વાત કરે છે ત્યારે ભરૂચ બેઠક પર અનેક દાવેદારોના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આદિવાસી નેતા તરીકેની તેમની મજબૂત પકડ અને સામાન્ય લોકો સાથેનો તેમનો સીધો સંપર્ક આગામી ઉમેદવાર માટે એક મોટો પડકાર સાબિત થશે.

