રીપોર્ટ@ગુજરાત: ભુજથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓ ઝડપાયા, જાણો વિગતે

 
કાર્યવાહી
પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, ત્યારે ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટના પગલે રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કચ્છના ભુજ શહેરમાં SOG ની ટીમે એક ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી એક મહિલા સહિત ત્રણ કાશ્મીરીઓની શંકાસ્પદ ગતિવિધિઓને આધારે અટકાયત કરતાં ચકચાર મચી ગઈ છે.

ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી ત્રણ કાશ્મીરી વ્યક્તિઓ મળી આવી હતી, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થતો હતો.પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ગેસ્ટ હાઉસના રજિસ્ટરમાં માત્ર એક જ કાશ્મીરી યુવકની એન્ટ્રી કરવામાં આવી હતી. રૂમ જમ્મુ-કાશ્મીરના ઝાંગલીમાં રહેતા જમીલ અહમદખાન અબ્દુલ મજીદખાનના નામે બુક કરવામાં આવ્યો હતો. રૂમમાં ત્રણ લોકો રોકાયેલા હોવા છતાં સંચાલકોએ માત્ર એક જ વ્યક્તિની નોંધણી કરી હતી.

આ ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક પિતા-પુત્ર જનક ભાટીયા અને વિનય જનક ભાટીયા સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SOG એ તાત્કાલિક અસરથી ત્રણેય કાશ્મીરીઓની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ 1 નવેમ્બરથી આ હોટલમાં રોકાયેલા હતા અને કચ્છમાં દાન માંગવાના હેતુથી આવ્યા હતા. દિલ્હી બ્લાસ્ટના એલર્ટ વચ્ચે તેમની હાજરી અને ગેસ્ટ હાઉસની એન્ટ્રીમાં ગડબડને કારણે સુરક્ષા એજન્સીઓ કોઈ કચાશ રાખવા માંગતી નથી.પોલીસે ત્રણેયના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને તેને વધુ પરીક્ષણ માટે FSL ખાતે મોકલી આપ્યા છે. હાલ પોલીસ સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ત્રણેય કાશ્મીરીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.