રીપોર્ટ@ગુજરાત: નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલાયા, 27 ગામોને એલર્ટ કરાયા, ડેમ 90 ટકા ભરાયો

 
નર્મદા ડેમ
ડેમની સપાટી ઓવરફ્લોથી માત્ર 2.56 મીટર દૂર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સીઝનમાં બીજીવાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ પહેલા 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા.મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ગઈકાલે સાંજે પાંચ કલાકે 1 લાખ 52 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. એનાથી નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે. ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 210776 લાખ ક્યૂસેક જેટલી થઇ રહી છે.

નદીમાં પાણીની જાવક 95000 ક્યૂસેક થઇ રહી છે. કેનાલમાં પાણીની જાવક 5242.00 ક્યૂસેક છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.2 સે.મી.નો વધારો નોંધાયો છે.મળતી માહિતી મુજબ, ડેમમાં હાલ 8512 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો છે. એટલે કે ડેમ 90 ટકા ભરાઇ ગયો છે. ડેમની સપાટી 136.12 મીટર પહોંચી છે અને ઓવરફ્લોથી માત્ર 2.56 મીટર દૂર છે. ડેમમાં 2.10 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે તંત્ર દ્વારા ડેમના પાંચ દરવાજા ખોલીને 95 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને 3 જિલ્લાના 27 ગામને એલર્ટ કરાયા છે.