રિપોર્ટ@હારીજ: ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડ્યા, અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં રાસગરબા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ જિલ્લાના હારીજમાં ઠાકોર સમાજ દ્વારા સામાજિક કુરિવાજોને ડામવા માટે બનાવવામાં આવેલા કડક બંધારણના ધજાગરા ઉડ્યા છે. ઠાકોર સમાજના આગેવાન મોબુજી સોનાજી ઠાકોરના ઘરે આયોજિત લગ્ન પ્રસંગમાં સમાજના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. સમગ્ર ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સમાજમાં કુરિવાજો દૂર કરવા માટે ગત 4 જાન્યુઆરીએ ઓગળધામ ખાતે મળેલી બેઠકમાં રાસ-ગરબા અને ડીજે પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો. એક વર્ષ માટે સમાજ બહાર કરાયેલા કલાકાર અર્જુન ઠાકોરના સાસરિયામાં જ આ બંધારણ તૂટ્યું છે.
અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની ઉપસ્થિતિમાં ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમાજના નિયમોની વિરુદ્ધ છે. અગાઉ પણ સમાજનું બંધારણ તોડનાર સામે જ્ઞાતિ બહાર કરવા સહિત 1.51 લાખ રૂપિયા સુધીની દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ કિસ્સામાં પણ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે આજે બપોરે 2 વાગ્યે ઠાકોર સમાજની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં લેવાનારા સંભવિત નિર્ણયો પર હાલ સૌની મીટ મંડાયેલી છે.

