રિપોર્ટ@જૂનાગઢ: 35 સરપંચોએ એક સાથે આપ્યા રાજીનામા, કયા કારણે? જાણો વિગતે
મુખ્ય કારણ વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જુનાગઢ તાલુકાના 35 ગામોના સરપંચોએ એક સાથે રાજીનામા આપી દીધા છે. રાજીનામા આપવા પાછળ એક નહીં પણ ઘણા કારણો છે.જુનાગઢ તાલુકાના 35 ગામોના સરપંચોના રાજીનામા પાછળ મુખ્ય કારણ વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ એ છે. ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં GST સહિતના અનેક મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલે છે. સરપંચોએ આક્ષેપ કર્યા છે વહીવટી પ્રક્રિયા સરળને બદલે કઠિન કરી દેતા અનેક કામ ટલ્લે ચડી ગયા છે અને વિકાસના કામો નથી થઈ રહ્યા.
સરપંચોએ એ પણ આક્ષેપ કર્યો કે ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરવામાં આવે છે, પરંતુ હદ-નિશાન ન હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે. આ તમામ કારણો અને સમસ્યાઓન નિવારણ માટે સરપંચોએ ગઈકાલે બપોરે 3 વાગ્યે મિટિંગ રાખી હતી અને તાલુકા વિકાસ અધિકારીને બોલાવવામાં આવ્યાં હતા. જો કે TDO આ મિટિંગમાં ન આવતા ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો, જે બાદ આ રાજીનામા પડ્યાં છે. 35 જેટલા સરપંચોએ જુનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા મોકલી આપ્યા છે. સરપંચોના રાજીનામા અંગે શું નિર્ણય લેવામાં આવશે તેના પર સૌની નજર છે.