રીપોર્ટ@કલોલ: તાલુકા પંચાયતના 5 કરોડના વેપારમાં મોટી સાંઠગાંઠ, નવી ટીમ પહેલાં યુદ્ધના ધોરણે ટેન્ડર
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
કલોલ તાલુકા પંચાયતના અનેક ટેન્ડર એ પણ ખૂબ મોટી રકમના એવા સમયમાં થયા અને ગયા તે જાણી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સરેરાશ 5 કરોડનાં વિવિધ વેપારમાં કોના કહેવાથી અને કોના માટે યુદ્ધના ધોરણે ટેન્ડર કરી નવી ટીમને જાણ થાય તે પહેલાં ઓપરેશન પાર પાડ્યું તે સૌથી મોટો સવાલ છે. ટીડીઓ સહિતનાએ પણ જૂની બોડીની ટર્મ પૂર્ણ અને પરિણામ જાહેર થયા બાદ તેમજ નવા સદસ્યો સત્તા સંભાળે તે વચ્ચેના સમયગાળામાં ખરીદી શરૂ કરી અને એજન્સી પણ એલ1 કરી લીધી છે. આ બાબતે જ્યારે ઉંડાણમાં ઉતરીને ચકાસતા જૂના ટીડીઓ, નવા ટીડીઓ, જૂના જોગી સદસ્યો અને નવા સભ્યો સહિતનાએ જે કહ્યું તે પણ અનેક સવાલોને જન્મ આપી રહ્યું છે. જાણીએ સમગ્ર અહેવાલ.
ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ અને પરિણામ પણ આવી ગયા ત્યારે આચારસંહિતા પૂરી થઈ હતી. આ પછી કલોલ તાલુકા પંચાયતે તાત્કાલિક ધોરણે એક રીતે યુદ્ધના ધોરણે રૂપિયા 1.40 કરોડના ત્રણ અને બીજા નાના નાના એમ કરીને સરેરાશ રૂપિયા 5 કરોડનાં ટેન્ડર કરી દીધા. જેમાં રૂપિયા 1 કરોડ 40 લાખના ઓડિયો સાઉન્ડ ખરીદવા, રૂપિયા 1 કરોડ 40 લાખના સ્માર્ટ ક્લાસ કરવા અને રૂપિયા 1 કરોડ 40 લાખના સીસીટીવી સાથે રૂ. 40 લાખની લાઇટો સહિત અન્ય નાના મોટા મળીને સરેરાશ 5 કરોડની ખરીદીના ટેન્ડર કરી લીધા છે. હવે આ કામો બાબતે સવાલ અને સમાચાર કેમ થાય છે તે સૌથી પહેલા સમજીએ. સરેરાશ 5 કરોડના વેપારમાં સરકારને નુકસાન આપી રોકડી કરવાનો ખેલ છે. એજન્સીઓ વચ્ચે મેળાપિપણુ અને ટેન્ડર પ્રક્રિયામાં બનાવટી દેખાડો કરવા પૂરતી ભાવ હરિફાઈ થઈ છે. વાંચો નીચેના ફકરામાં.
આ ટેન્ડર જૂના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી દરમ્યાન મંજૂર થયેલ કામો હેઠળના છે એમ ટીડીઓ કહે છે જ્યારે અગાઉની કારોબારી સમિતી સાથે જોડાયેલ વ્યક્તિ કહે છે આ કામો ટીડીઓએ સત્તાની રૂએ કરેલ છે. જો આ કામો જીવન જરૂરિયાતને અતિ સંબંધિત નહોતા તો નવા સભ્યોની સત્તા પછી કેમ ના થાય? આ બાબતે જૂના કે નવા વહીવટી અધિકારીઓ કે જૂની બોડીના કોઇપણ સ્પષ્ટ બોલવા તૈયાર નથી તેના પાછળ મોટી રાજરમત છે. કોઈ એવું અથવા એવા ઈસમો છે જેમને સરેરાશ 5 કરોડનાં વેપારમાં ટકાવારી આપી/લઈ રોકડી કરી ટેન્ડરથી વિકાસ કામો કર્યાનું બતાવી દેવું છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જૂની બોડીએ કામો મંજૂર કર્યા પરંતુ ટેન્ડર નવી બોડી સત્તા સંભાળે તે પહેલાં થયા છે. એટલે નવા આવેલા સભ્યો સ્વાભાવિક આ બાબતે કંઈ જાણતાં ના હોય અથવા કોઈ સંબંધ ના હોઈ શકે. જોકે હાલના ટીડીઓને પૂછતાં જણાવ્યું કે, અગાઉ મંજૂર થયેલા છે અને એજન્સીઓ વચ્ચે કોઈ રિંગ નથી છતાં હવે પછીના કામમાં ધ્યાન રાખીશું. અગાઉના ટીડીઓ ચાવડા જણાવે છે કે, મારા સમયમાં કામો મંજૂર થયા પરંતુ ટેન્ડર પ્રક્રિયા મારી બદલી પછી થઈ છે. આ બાબતે જૂના રાજુભાઇ, ઉપપ્રમુખ અર્પિતભાઇ સહિતના સભ્યોને પુછ્યું તો કહ્યું કે, અમને આવા કામો મંજૂર થયાનું જાણમાં નથી. જોકે જૂની બોડીના કારોબારી સમિતીના ચેરમેન બધું જાણતાં હોઈ શકે એટલે વારંવાર સંપર્ક કરવા છતાં ફોન ઉપાડવાનું ટાળ્યું છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં કરોડોના વેપારમાં મોટા માથા છે કે વેપારી માનસિકતા તે જાણીશું.

