રીપોર્ટ@કેવડિયા: PMના હસ્તે 25 નવી ઈ-બસોનું લોકાર્પણ, પ્રવાસીઓ મફત મુસાફરી કરી શકશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેઓ આવતીકાલે 31 ઑક્ટોબરે સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી સમારોહમાં સહભાગી થશે. જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ખરાબ હવામાનના કારણે તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી, કેવડિયા સુધી બાય રોડ પહોંચ્યા છે.વડાપ્રધાન મોદી વડોદરાથી બાય રોડ મારફતે કેવડિયા પહોંચ્યા છે. જ્યાં તેમણે એકતા નગરમાં ઈ-બસોને લીલી ઝંડી બતાવી.
વડાપ્રધાનના હસ્તે રૂ.30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઈ-બસોનું લોકાર્પણ કરાયું. આ સાથે એકતા નગરમાં હવે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઠીક 4:00 વાગે વડોદરા ઍરપોર્ટ પર પધારવાના હતા અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત સ્ટેચ્યુ ઑફ યુનિટી પહોંચવાના હતા. પરંતુ, સતત વરસતા વરસાદ અને ખરાબ હવામાનને લીધે તેમણે હવે રોડ માર્ગે જવાનું નક્કી કર્યું છે.પીએમ મોદી વડોદરા ઍરપોર્ટથી ગોલ્ડન ચોકડી, કપુરાઈ ચોકડી, ડભોઈ થઈને એકતા નગર ખાતે પહોંચવાના છે.
હવામાનના વિઘ્નને કારણે તેમના કાર્યક્રમના પરિવહનમાં ફેરફાર થવાથી સુરક્ષા અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન મોદીને ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે મુસાફરી કરવી પડી હોય. વર્ષ 2017માં નર્મદા ડેમના લોકાર્પણ સમયે પણ વરસાદ વિઘ્ન બન્યો હતો, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડોદરાથી સીધા બાય રોડ સ્ટેચ્યુ ઑફ યુનિટી આવવાની નોબત આવી હતી. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પણ 26 ફેબ્રુઆરી 2025એ ગુજરાત આવ્યા હતા, ત્યારે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના કારણે તેમને પણ વડોદરાથી બાય રોડ કેવડિયા આવવું પડ્યું હતું.

