રીપોર્ટ@ખેડા: કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી કાંઠાના 20 ગામોને એલર્ટ

 
વરસાદ
ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં પાંચ માર્ગો બંધ કરાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમ અને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. શુક્રવારના રોજ સાંજે 4 વાગ્યે કડાણા ડેમનું જળસ્તર ૧૨૬.૭૭ મિ.મી. પર પહોંચતા ૫૯,૫૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તેવી જ રીતે પાનમ ડેમમાંથી પણ ૧૧,૨૪૪ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પરિણામે, વણાકબોરી વીયરનું જળસ્તર વધી રહ્યું છે. ફ્લડ સેલ, મહીબેઝીન, મહી સિંચાઈ વર્તુળના અહેવાલ મુજબ, વણાકબોરી વીયરમાંથી ૧,૭૩,૪૬૨ ક્યુસેકનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે.

ગુરૂવારે સવારે 4 વાગ્યે વણાકબોરી વીયર પર પાણીની સપાટી ૨૩૦.૫૦ ફૂટ નોંધાઈ હતી. પરિણામે સિગ્નલના લેવલની મર્યાદા મૂજબ મહી નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા જણાવાયું છે.ખેડા જિલ્લામાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં નડિયાદ તાલુકામાં 3 મિ.મી., વસો તાલુકામાં 4 મિ.મી. અને માતરમાં 1 મિ.મી. સાથે જિલ્લામાં સરેરાશ વરસાદ માત્ર 0.8 મિ.મી. જ પડયો હતો. ખેડા જિલ્લામાં અત્યાર સુધી મોસમનો સરેરાશ વરસાદ 894.8 મિ.મી. પર પહોંચ્યો છે. સૌથી વધુ મોસમી વરસાદ નડિયાદમાં ૧૫૭૮ મિ.મી.  નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ ખેડામાં ૫૭૨ મિ.મી. નોંધાયો છે.

ઠાસરા તાલુકાના કોતરીયા, રાણીયા, ભદ્રાસા, ચિતલાવ, અકલાચા, ગળતેશ્વર તાલુકાના વાનોડા, મહી ઈટાડી, કુણી, ગળતેશ્વર, પાલી, સીંગોલ. ઉપરાંત, માનપુર, પાદલ, જર્ગલ, ડભાલી, મુવાડા, મીઠાના મુવાડા અને ડાભસર અસરગ્રસ્ત છે.ઉપરવાસની નદીમાં પાણીનું સ્તર વધતા તકેદારીના ભાગરૂપે સાંઢેલીથી વાંઘરોલી રોડ અને અંબાવ ગળતેશ્વરનો રસ્તો તા. ૮મી સપ્ટેમ્બર સુધી તંત્રએ બંધ કરી દેવો પડયો છે.રોડ ઉપર પાણી ફરી વળતા ધોળાની મુવાડીથી વાંધરોલી, વાડદથી ડભાલી અને વાડદથી મિઠાના મવાડાના રસ્તાઓ બંધ કરી દેવાયા છે.