રીપોર્ટ@ખેડા: ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સમગ્ર રાજ્યમાં ચર્ચા

 
ચીખલોડ

તાલુકા માટે ચૂંટણી બહિષ્કાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખેડા જિલ્લાના ચીખલોડ તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ સહિતના તમામ ચારેય મહિલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા સમગ્ર રાજ્યમાં ચર્ચા જાગી છે. રાજ્યમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યાં કોઈ એક મુદ્દે તમામ પક્ષો અને ઉમેદવારોએ એકસૂત્ર થઈ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોય.આ સમગ્ર વિવાદનું મૂળ ચિખલોડ ગામના ભૌગોલિક સીમાંકનમાં રહેલું છે.

અગાઉ આ ગામ કપડવંજ તાલુકામાં સમાવિષ્ટ હતું. સરકાર દ્વારા ફાગવેલને નવો તાલુકો જાહેર કરાતા ચિખલોડને તેમાં ભેળવી દેવામાં આવ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે વહીવટી સુવિધાને બદલે આ નિર્ણયથી તેમને મુશ્કેલી વધી છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તેમને ફરીથી કપડવંજ તાલુકામાં જ સમાવવામાં આવે.ચિખલોડ ગામનો કપડવંજમાંથી ફાગવેલમાં સમાવેશ કરતાં ગ્રાજમનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનનોએ ત્રણ મહિના સુધી સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ રસ્તા પર મંડપ બાંધી સતત આંદોલન કર્યું હતું. આ ગામ બાલાસિનોર વિધાનસભા હેઠળ આવતું હોવાથી સ્થાનિક ધારાસભ્યને પણ વારંવાર  રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચિખલોડ બેઠક પરથી ચાર મહિલાઓએ ફોર્મ ભર્યા હતા, પરંતુ ઉમેદવારી ખેંચવાના છેલ્લા દિવસે તમામ ઉમેદવારોએ એકસાથે ફોર્મ પાછા ખેંચી લીધા હતા. ગ્રામજનો માત્ર અહીં જ અટક્યા નથી, તેમણે મક્કમ નિર્ણય કર્યો છે કે લસુન્દ્રા જિલ્લા પંચાયતની બેઠક માટે પણ ગામમાં કોઈ મતદાન કરવામાં આવશે નહીં.