રિપોર્ટ@ખેડા: ધારાસભ્ય દ્વારા કર્મચારીઓને ફરજિયાત પણે ભાજપના સભ્યો બનાવવા માટેના આદેશથી વિવાદ
કર્મચારીઓને રાજકીય પાર્ટીનું કામ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ આ સદસ્યતા અભિયાનમાં ખેડા જિલ્લામાં ધારાસભ્ય દ્વારા ગ્રામપંચાયતના વીસીઇને ફરજિયાત પણે ૨૦૦ સભ્યો બનાવવા માટેના આદેશો અપાતા ભારે વિવાદ સર્જાય છે. હાલમાં લીલો દુકાળ પડ્યો છે. આવા સમયે અસરગ્રસ્તોને મદદરૂપ થવાને બદલે ભાજપના ધારાસભ્યો પોતાના સભ્યો નોંધણી માટેના નીત નવા ફતવા બહાર આપે તે કેટેલી હદે યોગ્ય છે.તેવો આક્ષેપ પણ જિલ્લા કોંગ્રેસે કર્યો છે.
તેમજ આ બાબતે આવેદનપત્ર આપીને સરકારી કર્મચારીઓને રાજકીય પાર્ટીનું કામ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચંદ્રશેખર ડાભીએ જણાવ્યું હતુ કે, હાલમાં ભારે વરસાદને કારણે ગામડાઓમાં ભારે તારાજી સર્જાઇ હતી. આવા સમયે ગામડાઓના અસરગ્રસ્તો અને સરકારને જોડતી મહત્વની કડી ગ્રામપંચાયત કક્ષાએ આવેલા વીસીઇ છે. જયારે હાલમાં ભાજપમાં હાલમાં સદસ્યતા નોંધણી અભિયાન ચાલી રહ્યું છે. જેમાં જિલ્લાના ધારાસભ્ય દ્વારા આ સભ્યો બનાવવા માટે ગ્રામપંચાયત કક્ષાએ આવેલા કર્મચારીઓને વીસીઇને ફરજિયાત પણે ભાજપમાં જોડાવવા માટે દબાણ કરવામાં આવે છે. તેમજ આ સભ્યોને અન્ય ૨૦૦ સભ્યો બનાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
સાથે સાથે આ કામગીરીનું મોનિટરીંગ કરવામાં આવશે. તેમજ તેનો રીપોર્ટ પણ કરવાનો રહેશે. ભાજપના ધારાસભ્ય દ્વારા કેટલી કામગીરી થઇ છે. તેમજ નબળી કામગીરી કરનારની સામે પછી વ્યવસ્થા કરવામાં આવશે. તેવો ગર્ભિત ધમકી ભર્યો ઉલ્લેખ પણ કરાયો છે.હાલમાં પુરથી અસરગ્રસ્તો માટે મદદરૂપ થવાના બદલે ભાજપ દ્વારા પોતાના પક્ષ માટે સભ્યો નોંધણી કરાવવા માટેની કામગીરી સોંપવામાં આવી રહી છે. તે ખુબ જ અયોગ્ય છે. ધારાસભ્ય પોતાની વિધાનસભાના વિસ્તારના તાલુકા મથકોમાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં વી.સી.ઈ. ઓપરેટર તરીકે કામ કરતા કર્મચારીઓનું ગ્રુપ બનાવી તેઓને પોતાની ઓફીસમાં બોલાવી ભાજપના સભ્યની નોંધણી કરવાના આદેશો પણ આપ્યા છે. જે ખુબ જ નિદંનિય છે. જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આ બાબતે આવેદનપત્ર આપ્યું હતુ.