રિપોર્ટ@કચ્છ: ભાજપ MLA ફરિયાદ લઈ રાજ્યપાલ પાસે પહોંચ્યાં, કહ્યું 'CM કે મંત્રીઓ સાંભળતા જ નથી'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપના ધારાસભ્યોની હાલ કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી પણ ઉકેલ આવતો નથી. આ કારણોસર ધારાસભ્ય ખુદ કહી રહ્યા છે કે, લોકો વચ્ચે જવુ મુશ્કેલ બન્યુ છે. કચ્છમાં થર્મલ પ્લાન્ટમાંથી 350 કર્મચારીઓને અચાનક જ છૂટા કરી દેવાતાં અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને રજૂઆત કરી હતી કેમકે, મુખ્યમંત્રી તો ઠીક, મંત્રીઓ પણ ધારાસભ્યની રજૂઆતને ગંભીરતાથી લેતા નથી. કચ્છમાં લખપત વિસ્તારમાં છેર નાની ગામે આવેલાં જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં આશરે 350 કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાયા છે.
મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી નોકરી કરતાં હતાં તેમ છતાંય તેમને જાણ કર્યા વિના છૂટા કરી દેવાયા છે. સરહદી વિસ્તાર હોવાથી સ્થાનિકો માટે નોકરી એક માત્ર રોજગારી છે. નોકરી છિનવાઇ જતાં 350 કર્મચારીઓ છેલ્લાં 20 દિવસથી ધરણાં કરીને વિરોધ કરી રહ્યા છે. આમ છતાંય હજુ સુધી કોઇ ઉકેલ આવી શક્યો નથી. કોઇ અધિકારીએ ધરણાં સ્થળની મુલાકાત સુધ્ધાં લીધી નથી.અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીથી માંડીને મંત્રીને આ મામલે રજૂઆત કરી હતી તેમ છતાંય પ્રશ્ન હલ થઇ શક્યો નહીં. આ કારણોસર નાછૂટકે ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા પહોંચ્યા હતાં. ધારાસભ્યએ એવું કહ્યું કે, 'આપ તો, મુખ્યમંત્રી સે ઉપર હો. આપ કહોગે તો હમારા કામ હો જાયેગાં.'
આ સાંભળીને એક તબક્કે રાજ્યપાલને પણ નવાઇ થઇ હતી. આ પરથી એક પ્રસ્થાપિત થાય છે કે, ભાજપના ધારાસભ્યનું કોઇ સાંભળનાર નથી. આ જોતાં ધારાસભ્ય પણ હવે રાજ્યપાલને ફરિયાદ કરવા માંડ્યા છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું કહેવુ છે કે, 'સરહદી વિસ્તારમાં ખેતી પર્યાપત નથી. સરહદી ગામડાઓમાં સ્થાનિકો નોકરી પર જ નિર્ભર છે. હવે નોકરીમાંથી હાંકી કાઢ્યા છે ત્યારે તેઓની રોજગારી છિનવાઇ છે. નાછૂટકે સ્થાનિકોને સ્થળાંતર કરવુ તેવી સ્થિતી સર્જાઇ છે.