રિપોર્ટ@કચ્છ: ત્રણ વર્ષથી ગાયનેક હોસ્પિટલ ચલાવતી બૉગસ મહિલા ડૉક્ટર ઝડપાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે કચ્છ જિલ્લાના લખપતમાંથી બૉગસ મહિલા ડૉક્ટર ઝડપાઈ છે. લખપતના દયાપરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક નર્સિંગ હોસ્પિટલ ચલાવતી બૉગસ મહિલા ડૉક્ટર મામલે કલેક્ટર કચેરી ખાતે અરજી કરવામાં આવી હતી. આ પછી તાલુકા આરોગ્ય અધિકારીએ પોલીસને સાથે રાખીને દરોડા પાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસે રૂ.4.69 લાખની કિંમતની દવાનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છ જિલ્લના લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે આવેલા મારૂતિ કોમ્પ્લેક્સમાં ન્યૂ જનની નામની હોસ્પિટલ ચલાવતી અનુરાધા મંટુપ્રસાદ યાદવ નામની બૉગસ મહિલા ડૉક્ટર હોવાને લઈને એક જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અરજી કરી હતી. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીએ તાલુકા કક્ષાના અધિકારીઓને જાણ કરી હતી. આ પછી પોલીસને સાથે રાખીને તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓએ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા.
સમગ્ર મામલે અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, 'મૂળ બિહારની મહિલા પાસેથી તબીબી પ્રેક્ટિસ કરવા માટેની MBBS, MD કે DGO જેવી શૈક્ષણિક લાયકાતની ડિગ્રીઓ ન હતી. તેમ છતાં બૉગસ મહિલા ડૉક્ટર છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક નર્સિંગ હોમ ખોલી સગર્ભા મહિલાઓની પ્રસૂતિ કરાવતી હતી. આ સાથે મહિલા હોસ્પિટલમાં બનાવેલા ઈન્ડોર મેડિકલ સ્ટોરમાંથી દર્દીઓને દવા અને ઈન્જેક્શન આપતી હતી. દયાપર પોલીસે સમગ્ર મામલે બૉગસ મહિલા ડૉક્ટરની હોસ્પિટલમાંથી કુલ 4.69 લાખની દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને મહિલાને નોટિસ ફટકારીની આગળની કાર્યવાહી હાથ ધરી છે.