રિપોર્ટ@મહાકુંભ: 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું, કુલ આંકડો 65 કરોડને પાર જવાની સંભાવના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહાકુંભ મેળામાં 60 કરોડ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. આ માહિતી ઉત્તર પ્રદેશ સરકારે શનિવારે આપી હતી. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો કુંભ મેળો મહા શિવરાત્રિ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ભારતના 110 કરોડ સનાતન અનુયાયીઓમાંથી અડધાથી પણ વધુએ પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. 26 ફેબુ્રઆરીના રોજ અંતિમ અમૃત સ્નાન સુધીમાં આ સંખ્યા 65 કરોડને વટાવી જેશે.
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ-પ્યૂ રિસર્ચ અનુસાર, ભારતની વસ્તી આશરે 143 કરોડની છે. જેમાં, 110 કરોડ સનાતન ધર્મના અનુયાયીઓ છે. જેનો મતલબ થાય છે કે, 55ટકાથી વધુ લોકોએ મહાકુંભમાં ભાગ લીધો છે. જ્યારે, વૈશ્વિક સ્તરે સનાતન ધર્મના અનુયાયીઓ 1.2 અબજ છે. જેનો અર્થ એ કે, વિશ્વભરના 50 ટકાથી વધુ સનાતનીઓએ સંગમમાં ડૂબકી લગાવી છે. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સહિત 73 દેશોના રાજદ્વારીઓએ ઘણા આંતરરાષ્ટ્રીય મહેમાનો સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી. દેવી સીતાની માતૃભૂમિ નેપાળના 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે.