રિપોર્ટ@મહારાષ્ટ્ર: ‘કેશ ફૉર વોટ’ મામલે રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે. તેના એક દિવસ પહેલા ‘કેશ ફૉર વોટ’નો મામલો ઉછળતા રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહા સચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવા મુદ્દે ચૂંટણી પંચે FIR નોંધાવી છે. આ સાથે વિપક્ષો પણ આક્રમક મૂડમાં આવી ગયા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા સવાલ કર્યો છે કે, ‘મોદીજી આ પાંચ કરોડ તમે કોના SAFE માંથી કાઢ્યા છે? પ્રજાના પૈસા લૂંટીને તમને કોણે ટેમ્પોમાં મોકલ્યા છે? ’તાવડેનો મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધું છે. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ X પર લખ્યું છે કે, ‘મોદીજી, આ પાંચ કરોડ રૂપિયા કોના SAFEમાંથી નીકળ્યા છે? જનતાના પૈસા કોણે લૂંટીને તમને ટેમ્પોમાં મોકલ્યા?’નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ‘અદાણી-અંબાણીએ કોંગ્રેસને ટેમ્પો ભરીને કાળું નાણું મોકલ્યું છે.’
આ નિવેદન પછી રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ ભાજપ પર સતત કટાક્ષ કરી રહ્યા છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ‘કેશ ફૉર વોટ’ મુદ્દે પ્રતિક્રિયા આપી X પર લખ્યું છે કે, ‘મોદીજી મહારાષ્ટ્રને મની પાવર અને મસલ્સ પાવરથી સેફ બનાવવા માંગે છે. એક તરફ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પર જીવલેણ હુમલો થાય છે. બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા પાંચ કરોડ રોકડ સાથે રંગે હાથ પકડાઈ ગયા છે. મહારાષ્ટ્રની આવી વિચારધારા નથી. જનતા આવતીકાલે મતદાનથી આનો જવાબ આપશે.’