રિપોર્ટ@મહેસાણા: મોઢેરાના ખેડૂતોને કોર્ટનો હુકમ છતાં વળતર ન ચૂકવાતા નર્મદા વિભાગની કચેરી સીલ

 
કચેરી

મોઢેરા ગામના 10 ખેડૂતોની જમીન નર્મદા નહેરના રોડ માટે સંપાદિત કરવામાં આવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બહુચરાજી વિસ્તારમાં નર્મદાની કેનાલના રોડ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. જેમાં મોઢેરા ગામના 10 જેટલા ખેડુતોએ વળતરની પુરતી રકમ મળી ન હોવાનો અસંતોષ વ્યક્ત કરીને વધુ વળતર માટે કોર્ટમાં દાદ માગી હતી. આથી કોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી રૂ.8,31,000નું વળતર ચૂકવવા વર્ષ 2021માં આદેશ કર્યો હતો, કોર્ટનો આદેશ છતાં પણ વળતરની રકમ ન ચુકવાતા ખેડુતોએ ફરીવાર કોર્ટના દરવાજા ખટખટાવતા કોર્ટે જપ્તી વોરંટ કાઢીને નર્મદા વિભાગની એક્ઝયુકિટીવ એન્જિનિયરની કચેરીને સીલ મારી દીધું હતી.

બહુચરાજી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના રોડ માટે મોઢેરા ગામના 10 ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ હતી, જેમાં સરકારે ચૂકવેલ વળતરથી નારાજ ખેડૂતો કોર્ટમાં ગયા હતા. દરમિયાન કડી કોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી રૂ.8,31,000નું વળતર ચૂકવવા વર્ષ 2021માં આદેશ કર્યો હતો. તેમ છતાં સરદાર સરોવર નર્મદા વિભાગ નંબર ત્રણ ચાણસ્મા કચેરી દ્વારા વળતરની રકમ ચૂકવાઇ ન હતી. આથી ખેડૂતોએ કડી કોર્ટમાં દરખાસ્ત કરતાં તાજેતરમાં કોર્ટે જપ્તી વોરંટ કાઢ્યું હતું. ચાણસ્મા કોર્ટની ટીમ કચેરીમાં પહોંચતાં ફરજ પરના અધિકારીએ દસ દિવસનો સમય માગ્યો હતો, પરંતુ તેઓ વળતર ચૂકવી નહીં શકતાં ચાણસ્મા કોર્ટની ટીમે નર્મદા વિભાગના એક્ઝયુકિટીવ એન્જિનિયરની કચેરીને સીલ મારી દીધું હતું.

નર્મદા વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ કેસમાં અમારી કચેરીનો ક્યાંય વાંક નથી. ખાસ જમીન સંપાદન અધિકારી નર્મદા યોજના એકમ-18 મહેસાણાને ગણતરી પત્રક બે વાર મોકલી આપ્યું હતું અને રૂબરૂ પણ રજુઆક કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી એક સહીના કારણે પ્રશ્ન વિલંબમાં પડ્યો છે. સહી થાય તો જ અમે નર્મદા નિગમમાં ફંડ માંગી શકીએ અને તે મંજૂર થાય તો કોર્ટમાં જમા કરાવી શકાય. ખાસ જમીન સંપાદન કચેરીના નાયબ મામલતદારનો આ અંગે ફોનથી સંપર્ક કર્યો હતો, પરંતુ રિસીવ નહીં થતાં સહી નહીં કરવાનું કારણ જાણી શકાયું નથી.