રીપોર્ટ@મહેસાણા: 4 કર્મચારીઓની ડિગ્રી વિરુદ્ધ SP યુનિવર્સિટી અને પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં ગંભીર ફરિયાદ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીઓમાં ચાલુ નોકરી દરમ્યાન 4 કર્મચારીએ વિસનગરમાં આવેલી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતુ. એડમિશનની મંજૂરી પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે અને યુનિવર્સિટીએ આપ્યા બાદ આ વિદ્યાર્થી કમ કર્મચારીઓએ 2 વર્ષનો માસ્ટર ડિગ્રી કોર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે અહીં સુધી બધું બરાબર પરંતુ હવે આ 4 વિદ્યાર્થી કમ સરકારી કર્મચારીની શૈક્ષણિક ડિગ્રી વિરુદ્ધ ચોંકાવનારી રજૂઆત થઈ છે. ગાંધીનગરના રહીશે આ ચારેય કર્મચારીઓએ મેળવેલી ડિગ્રી ફેક એટલે કે ખોટી હોવાની નામજોગ ફરિયાદ કરી તાત્કાલિક અસરથી તપાસ કરવા અને ડિગ્રી રદ્દ કરવા સુધીની માંગ કરી છે. આ રજૂઆત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીથી માંડીને છેક યુજીસી સુધી કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં નોકરી દરમ્યાન અભ્યાસનો સમયગાળો અને સિલેબસ પૂર્ણ થઈ શકે તેમ ના હોવાનો આધાર લઈને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા નાગરિકે ફરિયાદ કરી છે. જાણીએ સમગ્ર અહેવાલ.
મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી આવેલી છે અને અહીં પર્યાવરણમાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલે છે. ગત શૈક્ષણિક વર્ષ દરમ્યાન આ માસ્ટર ડિગ્રી કોર્સમાં અનેક વિદ્યાર્થીઓના એડમિશન થયા 4 વિદ્યાર્થીઓ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કર્મચારીઓ હતા. જેમાં મદદનીશ પર્યાવરણ ઈજનેરનો હોદ્દો ધરાવતાં કુલ 4 માંથી 2 કર્મચારી મહેસાણા જીપીસીબી કચેરી, 1 કર્મચારી હિંમતનગર જીપીસીબી અને 1 કર્મચારી અમદાવાદ જીપીસીબી ખાતે ફરજમાં છે. આ ચારેય કર્મચારીઓએ વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં એમ.ઈ એન્જિનિયરનો 2 વર્ષનો અભ્યાસ ચાલુ નોકરી દરમ્યાન ભણવા મંજૂરી માંગી હતી. જેમાં સવારે 8થી 9:30 વાગ્યા સુધી ભણવા જવાનું બતાવી જીપીસીબી વડી કચેરીએથી નિયમોને આધીન મંજૂરી મેળવી હતી.
આ મંજૂરી મળી ગયા બાદ ચારેય વિદ્યાર્થી કમ કર્મચારીઓએ શૈક્ષણિક વર્ષ પૂર્ણ કરી ડિગ્રી મેળવી લીધા પછી ગાંધીનગરના રહીશ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સાથે સંકળાયેલા વ્યક્તિએ ચોંકાવનારા સવાલો અને ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની જોગવાઈ મુજબ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ(પર્યાવરણ) નો અભ્યાસ કરવા દર અઠવાડિયે કુલ 30 કલાકનું ભણતર ફરજિયાત છે. આ તરફ ચારેય વિદ્યાર્થી કમ કર્મચારીઓએ રોજના દોઢ કલાક લેખે અઠવાડિયામાં સરેરાશ 9 કલાકનો અભ્યાસ લીધો છે અને જો શનિ રવિ વધારાનો સમય ગણો તો પણ અઠવાડિયે 30 કલાક પૂર્ણ થવા મુશ્કેલ છે. આથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સવારે 10:30થી સાંજે 6 વાગ્યા સુધીની નોકરી અને 2 અઠવાડિયામાંથી માત્ર 1 શનિવાર પૂર્ણ દિવસ રજા હોય ત્યારે કેવી રીતે અને કેવા સંજોગોમાં આ ડિગ્રીનો અભ્યાસ/સિલેબસ પૂર્ણ થયો તેના વિરુદ્ધ ગંભીર સવાલો રજૂ કર્યા છે. વાંચો નીચેના ફકરામાં કોણે શું કહ્યું
આ બાબતે કુલ 4 માંથી 1 કર્મચારીને પૂછતાં જણાવ્યું કે, શનિ રવિ યુનિવર્સિટીમાં ફુલ ડે ભણતર કરીએ તો અભ્યાસનો સમય પૂર્ણ કરી શકાય છે. આમ છતાં જો અમારો અભ્યાસ પૂર્ણ ના થયો હોય તો યુનિવર્સિટીએ જોવાનું રહેશે, જવાબદારી પણ યુનિવર્સિટીની આવે. આ તરફ યુનિવર્સિટીના પ્રોફેસર ઉદાણીને પૂછતાં શરૂઆતમાં કહ્યું કે, શનિ રવિ સરકારી કચેરીઓમાં રજા હોય છે કે નહિ, પછી બોલ્યા કે હું સમાચાર એજન્સીઓને કોઈ જવાબ આપતો નથી. આ પછી એમ.ઈ કોલેજના પ્રોફેસર પટેલને પૂછતા જણાવ્યું કે, આવી કોઈ રજૂઆત મારા ધ્યાનમાં નથી આમ છતાં રૂબરૂમાં કોલેજ આવી ચર્ચા કરી લો. હવે કેમ અને કેવી રીતે છે આ ગંભીર ફરિયાદ, વાંચો નીચેના ફકરામાં
આ ચારેય કર્મચારીઓએ ચાલુ નોકરી દરમ્યાન નિયમોનુસાર અને બોર્ડની શરતોને આધીન મંજૂરી મેળવી ખૂબ મહેનત કરીને ડિગ્રી મેળવી હશે પરંતુ અરજદારના સવાલ અને આક્ષેપ મુજબ યુજીસીની ગાઇડલાઇન મુજબ અભ્યાસ/સિલેબસ સામે ચારેય કર્મચારીઓની નોકરી વચ્ચે ભણતર પૂર્ણ થઈ શકે નહિ. આવી સ્થિતિમાં હવે સૌથી મોટો સવાલ થાય છે કે, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ દિલ્હી સ્થિત યુજીસીની ગાઇડલાઇન સંપૂર્ણ રીતે પાળી હશે ? શું કોઈ પ્રોફેસર શનિ રવિ દરમ્યાન એકધાર્યા 10થી 11 કલાક ટીચીંગ આપી શકે ? શું ચારેય કર્મચારીઓની હાજરી અને ભણતરના કલાકોનો ખરેખર અભાવ હશે ? આટલુ જ નહી અઠવાડિયે 30 કલાકના ભણતરનો અભાવ હતો કે નહિ તેની કોણ અને કેવી રીતે તપાસ કરશે ?