રીપોર્ટ@મહીસાગર: 'લૂંટેરી દુલ્હન'નો વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર, રૂ.11.30 લાખ લઈ ટોળકી રફુચક્કર

 
મહીસાગર
મહીસાગર પોલીસે આ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહીસાગર જિલ્લામાં 'લૂંટેરી દુલ્હન'નો વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. લગ્ન કરવા માટે યુવકને યુવતી બતાવી, ખોટી લગ્નવિધિ કરાવીને રોકડ રકમ અને દાગીના મળી કુલ રૂપિયા 11,30,100 ની છેતરપિંડી આચરી આખી ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી.ભોગ બનનાર યુવકને લગ્નની લાલચ આપી એક મકાનમાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં ટોળકી દ્વારા ખોટી રીતે લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

લગ્ન બાદ "કન્યાને માતાજીના દર્શન કરાવવા લઈ જઈએ છીએ" તેમ કહી આરોપીઓ તેને સાથે લઈ ગયા હતા અને ત્યારબાદ લૂંટેરી દુલ્હન સહિતના તમામ સાગરીતો પલાયન થઈ ગયા હતા. આ મામલે રાકેશભાઈ, જ્યોતિબેન, કનુભાઈ, શારદાબેન, જયરાજસિંહ ચૌહાણ તેમજ અન્ય બે મોબાઈલ નંબર ધારકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે આખરે ન્યાય માટે મહીસાગર પોલીસના દ્વાર ખખડાવ્યા છે. મહીસાગર પોલીસે આ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.