રીપોર્ટ@મહીસાગર: 'નલ સે જલ' કૌભાંડમાં વધું એક ભાજપ નેતાની ધરપકડ થતાં રાજકારણમાં ગરમાવો

 
કૌભાંડ
અત્યાર સુધીમાં કુલ ત્રણ ભાજપ નેતાઓની ધરપકડ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહીસાગર જિલ્લાના મસમોટા 123 કરોડના 'નલ સે જલ' કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. વડોદરા શહેરના અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી ભાજપના જૂના કાર્યકર્તા મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે. મુકેશ શ્રીમાળી પાસે સરકારને કુલ 1,76,97,169.25 રૂપિયાની અધધ રિકવરી કરવાની બાકી છે.સમગ્ર કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કુલ ત્રણ ભાજપ નેતાઓની ધરપકડ કરી છે.

આ અગાઉ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલ ત્યારબાદ ખાનપુર તાલુકાના પૂર્વ મહા મંત્રી ધર્મેન્દ્ર માલીવાડ બાદ હવે મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે. 20 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવેલા ચારેય આરોપીઓ વાસ્મોમાં સોશિયલ મોબિલાઈઝર તરીકે કરાર આધારિત ફરજ બજાવતા હતા. ઝડપાયેલા કર્મચારીઓમાં ગીરીશ વાળંદ, જનાર્દન પટેલ, મહેન્દ્ર રાઠોડ અને નાથા ડામોરનો સમાવેશ થાય છે.

આ કર્મચારીઓ પાસે ખાનપુર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર એમ ચાર અલગ-અલગ તાલુકાઓનો ચાર્જ હતો. તેમની મુખ્ય કામગીરી લોકો સાથે સંપર્ક કરવો, યોજના વિશે સમજાવવું અને સરપંચોને વહીવટી પ્રક્રિયામાં મદદ કરવાની હતી. અત્યાર સુધીમાં ભાજપ નેતા મુકેશ શ્રીમાળી સહિત કુલ 23 કૌભાંડીઓની ધરપકડ થઈ છે. આ કેસમાં 20 આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેમાંથી કોર્ટે 18ની અરજી ફગાવી દીધી છે અને 2ને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. કરોડોના ભ્રષ્ટાચારને કારણે યોજના ખોરંભે પડી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર ક્યારે આ નાણાંની રિકવરી કરશે અને તરસ્યા ગ્રામજનોને ક્યારે નળ વાટે શુદ્ધ પીવાનું પાણી મળશે?